તમામ આરટીઓને પત્ર લખીને વાહનોની ચકાસણીનો આદેશ!

રાજ્યમાં ફરતા વાહનો પૈકી અનેક વાહનો પર ડોક્ટર, એન્જિનિયર, પોલીસનું લખાણ લખેલું જોવા મળે છે. ઉપરાંત ઘણા વાહનો પર નંબર પ્લેટ લાલ પટ્ટી મારી લખાણ લખતા હોય છે, જેથી વાહનો સરકારી હોવાનો ભ્રમ ઊભો થાય છે. આવા ઢગલાબંધ વાહનો રાજ્યમાં ફરતા હોવાની માહિતી વાહન વ્યવહાર કમિશનરને મળતા તેમણે રાજ્યના તમામ આરટીઓ અધિકારીઓને પરિપત્ર કરી આવા વાહનોની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. આટલું જ નહીં, જો વાહન પર ડોક્ટર, પોલીસ જેવા હોદ્દા કે લાલ પટ્ટી મારી લખાણ લખેલું જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. જેના પગલે સંભવત સોમવારથી આરટીઓ કચેરીઓ દ્વારા આવા વાહનો સામે ચકાસણી શરૂ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં મોટી સંખ્યામાં ફરતા ખાનગી વાહનોની નંબર પ્લેટ પર સરકારી વાહનની જેમ લાલ કલરની પટ્ટી રાખીને વિવિધ લખાણો લખવામાં આવતા હોય છે. આવા લખાણો લખવામાં આવતા હોવાથી દુરથી આ વાહનો સરકારી વાહનો હોય તેવો ભ્રમ ઊભો થાય છે. આવા ખાનગી વાહનો સરકારી જેવા વાહનનો ભ્રમ ઊભો કરી નિયમનો ભંગ કરતા હોય છે. ઉપરાંત ઘણા વાહનો પર વિભાગનો લોગો પ્રદર્શિત કરવામાં આવે છે અને પોલીસ, ડોક્ટર, એન્જિનિયર જેવા હોદ્દા લખવામાં આવતા હોય છે. આ પ્રકારનું લખાણ વાહનો પર પ્રદર્શિત કરવું એ મોટર વ્હીકલ એક્ટની નિયમ વિરૂધ્ધનું હોઈ દંડને પાત્ર છે.

દરમિયાન રાજ્યમાં આવા અનેક વાહનો બિન્દાસ રીતે રસ્તા પર ફરતા હોવાની વિગતો રાજ્યના વાહન વ્યવહાર વિભાગને મળી હતી. જેના પગલે વાહન વ્યવહાર કમિશનર દ્વારા આવા વાહનો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના તમામ આરટીઓ અધિકારીઓને પરિપત્ર કરી સુચના આપી છે. તાજેતરમાં કરાયેલા પરિપત્રમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ આરટીઓને સુચના આપી રસ્તા પર દોડતા આવા વાહનોની ચકાસણી કરવા માટે આદેશ આપ્યો છે. તપાસ દરમિયાન જો આવા વાહનો પકડાય તો તેમની સામે કાયદેસરના પગલા લેવા માટે પણ સુચના આપવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા અગાઉ પણ આવા વાહનો સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી અને આરટીઓ અધિકારીઓ સુચના પુરતી તપાસ કરી પેપર પર બતાવવા પુરતા કેસ કરી પોતાની જવાબદારી પુરી કરી હોવાનો એહવાલ સુપરત કર્યો હતો. જોકે, ખરેખર આવા વાહનો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે તો જ તપાસનો અર્થ સાર્થક થશે તેમ જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.