- બેડીચોક અને કટારિયા ચોકનું સર્કલ રદ્ કરાશે: સ્પિડવેલ ચોક, સોરઠીયાવાડી સર્કલ, સ્વામિનારાયણ ચોક, મોકાજી સર્કલ, મોટી ટાંકી ચોક, વગડ ચોક અને કોટેચા ચોકના સર્કલોની હયાત ડિઝાઇનમાં ફેરફાર કરવા એજન્સીનો રિપોર્ટ
રાજકોટ શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર આવેલા હાથીકદા સર્કલ ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા હોવાની ફરિયાદો વધતા કોર્પોરેશન દ્વારા સર્કલની ડિઝાઇન, રિ-ડિઝાઇન માટે ડિટેઇલ સર્વે કરાવવા સુરતની એજન્સીની ક્ધસલ્ટન્ટ તરીકે નિમણુંક કરી હતી. જેમાં પ્રથમ ફેઇઝમાં 15 સર્કલોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે પૈકી 11 સર્કલનો રિપોર્ટ આવી ગયો છે. જિલ્લા પંચાયત અને કિશાનપરા ચોકના સર્કલ દોઢ મીટર સુધી પહોળા કરવામાં આવશે. બાકીના 7 સર્કલોની હયાત ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે. ચાર સર્કલના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. જ્યારે ફેઇઝ-2માં 16 સર્કલોનો સર્વે કરવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના અલગ-અલગ રાજમાર્ગો પરના સર્કલોનો ડિટેઇલ સર્વે કરવા માટે સુરતની એસયુએનઆઇટી સંસ્થાની ક્ધસલ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ફેઇઝ-1માં 15 સર્કલનો ડિટેઇલ એન્જીનીંયરીંગ સર્વે તથા નવી ડિઝાઇન અર્થે કામ આપવામાં આવ્યું હતું. જે પૈકી 11 સર્કલની ડિઝાઇન સંસ્થા દ્વારા કોર્પોરેશનને આપી દેવામાં આવી છે. બેડીચોક અને કટારિયા ચોકડીના સર્કલો રદ્ કરવાની ભલામણ કરવામાં આવી છે. જ્યારે સ્પિડવેલ ચોક, સોરઠીયા વાડી ચોક, સ્વામિનારાયણ ચોક, મોકાજી સર્કલ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મોટી ટાંકી ચોક, વગડ ચોક અને કોટેચા ચોકના હયાત સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ 9 સર્કલની સાઇઝમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે મવડી સર્વોદય સ્કૂલ, જેટકો ચોક, જડ્ડુસ ઓવરબ્રિજની નીચે અને રૈયા ચોક ઓવરબ્રિજ નીચેના સર્કલના રિપોર્ટ આપવાના બાકી છે.
સ્પિડવેલ સર્કલ નવી ડિઝાઇન મુજબ ડેવલપ કરવામાં આવ્યું છે. બાકીના તમામ આઠ સર્કલ તબક્કાવાર એજન્સીએ સૂચવ્યા મુજબ રિ-ડિઝાઇન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેઇઝ-2માં કોર્પોરેશન દ્વારા 16 સર્કલોની યાદી આપવામાં આવશે. શહેરના રાજમાર્ગો પરના સર્કલોની સાઇઝ ખૂબ જ મોટી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કેટલાક સર્કલો પર વાહન ચાલકોને પુરતું વિઝન મળતું નથી. જેના કારણે અકસ્માત પણ સર્જાવવાની ભીતી રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા સર્કલનો સર્વે કરવા માટે એજન્સીની નિયુક્તી કરવામાં આવી છે. મોટાભાગના સર્કલોનો સર્વે કરી તેની હયાત ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે અને જરૂર પડશે તો સર્કલોની સાઇઝ પણ ઘટાડી દેવામાં આવશે.