ભોગાવો નદી રેતી ચોરી, પ્રદુષીત કેમીકલ યુકત પાણી ગટરના ઠલવાતા પાણીથી પ્રદુષિત: નદીને સ્વચ્છ કરાવા પર્યાવરણ પ્રેમીઓની માંગ
સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીની છેલ્લા ઘણા સમયથી દુર્દશા થઈ રહી છે છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. ચોટીલા રેન્જમાંથી નીકળીને નળસરોવર થઈ છેક ખંભાતના અખાતમાં મળતી 107 કિ.મી લંબાઈ ધરાવતી ભોગાવો નદીમાં થતી રેતી ચોરી, પ્રદુષિત કેમીકલ યુકત પાણી, ગાંડા બાવળો અને ગટરના ઠલવાતા પાણીને કારણે પ્રાચિન એવી આ નદીની હાલત દયનીય બની રહી છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને જોડતી તેમજ જીલ્લાના અનેક ગામોમાંથી પસાર થતી ભોગાવો નદીની હાલત દયનીય બની રહી છે. ચોટીલા રેન્જમાંથી નીકળીને મુળી, સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, નળ સરોવર, થઈ છેક ખંભાતના અખાત સુધી જતી આ નદીના કાંઠા ઉપર અનેક ગામ અનેક શહેર વસેલા છે. આ નદી ઉપર ભોગાવો-1 અને ભોગાવો-2 બંધ સહીતના જળાશયો આવેલ છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતા અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં નર્મદાનું પાણી પહોંચાડતા ધોળીધજા ડેમને દરવાજા નથી તેથી ચોમાસામાં આ ડેમ ઓવરફલો થાય ત્યારે આપોઆપ તેનું પાણી ભોગાવો નદીમાં ઠલવાય છે પરંતુ લોક વાયકા મુજબ સતિ રાણકદેવીના શ્રાપને કારણે ભોગાવો નદીમાં પાણી રહેતુ નથી.
ઉજ્જડ બની ગયેલા ભોગાવોમાં સુરેન્દ્રનગર શહેર આખાનું ગટરનું પાણી ઠલવાય છે. કચરો ઉકરડાના ઢગલા ઠલવાય છે. ઔદ્યોગીક એકમોનુંં કેમીકલ યુકત પ્રદુષિત પાણી ઠલવાય છ.ે પરિણામે ગંદી અને ગોબરી બની ગયેલી ભોગાવો નદી દુર્દશાના આરે પહોંચી છે. આઘાત જનક બાબત એ છે કે, ભોગાવો નદીમાંથી રેતી ચોરી અને માટી ચોરી બેફામ થાય છે. શહેરી અને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ભોગાવો નદીના પટમાંથી ભૂમાફીયાઓ બેરોકટોક રેતી ચોરી કરી રહ્યા છે. છતા તંત્રને દેખાતુ નથી. નદીનાં કાંઠે અનેક જગ્યાએ આવેલા કારખાનામાં પ્રદુષિત કેમીકલ યુકત પાણી ઠલવાય છે.
ભોગાવો નદી માં ઠેરઠેર ગાંડા બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે. આ બાવળોની આડમા ર્દેશી દારૂ ગાળવાની અસામાજીક પ્રવૃતિ પણ થતી હોવાનું મનાય છે. તંત્ર દ્વારા કયારેક સફાઈ અભિયાન થાય છે પરંતુ આરંભે શુરાની જેમ ઉપર છલ્લી સફાઈ બાદ તસ્વીરો પડાવી ભોગાવાને તેની હાલત ઉપર છોડી દેવાય છે. પ્રદુષિત થતા ભોગાવા અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહીતના તંત્રવાહકોને અગાઉ અનેકવાર રજુઆતો પણ થઈ છે. પરંતુ ઠોસ પગલા લેવાતા નથી સુરેન્દ્રનગર નગરપાલીકા દ્વારા ભોગાવો નદીના કાંઠે શહેરની શાન વધારવા રીવરફ્રન્ટ બનાવવામાં આવેલ છે. અને તેને વધુ લંબાવવાની પણ યોજના છે .
પરંતુ રીવરફ્રન્ટની ચમક દમક પાછળ આવેલ ભોગાવો નદીના પટમાં તંત્ર વાહકો નજર કરે તો ઉજ્જડ, વેરાન, ગાંડા બાવળોથી ભરેલો, ભોગાવો નજરે પડે તેમ છે..! જીલ્લા કલેકટર, ચૂંટાયેલા ધારાસભ્યો, સામાજીક સેવાભાવી કલેકટર, ચૂંટાયેલા ધારાસભ્યો, સામાજીક સેવાભાવી સંસ્થાઓ, ભોગાવો નદીને સ્વચ્છ કરાવવાના અસરકારક પગલા લેવડાવવા પ્રયાસો કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની લાગણી અને માંગણી છે.