કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESICએ કર્મચારીઓ માટે વધુ એક રાહતભરી જાહેરાત કરી છે. તાજેતરમાં કોવિડ-19 રાહત યોજનાને શ્રમ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો હેતુ ઈએસઆઈસી કાર્ડ ધારક કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેના આશ્રિતોને સહાય પૂરી પાડવાનો છે. જો ઈ.એસ.આઈ.સી.ના કાર્યક્ષેત્ર હેઠળ વીમાકૃત કર્મચારીનું મૃત્યુ કોરોનાથી થયુ હોય તો તેના આશ્રિતોને ESIC દ્વારા દર મહિને ઓછામાં ઓછું 1800 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
ઈ.એસ.આઈ.સી.ના કોરોના મૃતક લાભાર્થીઓના આશ્રિતોને કોવિડ 19 રાહત યોજનાથી આ લાભ મળશે. ઈએસઆઈસીના વીમા કમિશનર એમ.કે.શર્માએ કહ્યું કે આ યોજના હેઠળ અરજી કરનાર પરિવારને મૃત કર્મચારીનો પગાર મળશે. એટલે કે, જો ઇ.એસ.આઈ.સી. માં ફાળો આપનાર વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે છે, તો પછી તેના પત્ની, બાળકો, આશ્રિત માતાપિતા અથવા તેના પરિવારના ભાઈ-બહેનોને દર મહિને કર્મચારીના અંતિમ પગાર મુજબ 90 ટકા ચૂકવવામાં આવશે.
જો કે આ યોજનાના લાભ માટે ઘણી છૂટ આપવામાં આવી છે. કોઈપણ કંપનીમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 70 દિવસ સુધી ઇએસઆઈસીમાં ફાળો આપ્યો હોય અને આવા કર્મચારીનું મૃત્યુ થાય તો આ યોજનાનો લાભ પરિવારને મળશે. આ સિવાય કર્મચારી કોવિડ હોય તે પહેલાં ત્રણ મહિના સુધી કોઈપણ કંપનીનો કર્મચારી હોવો જરૂરી છે. આ દરમિયાન, જો તેને કોરોના થાય છે અને તેનું મૃત્યુ થાય છે, તો તેનો પરિવાર આ યોજના માટે પાત્ર માનવામાં આવશે.