મોટર વ્હીકલ એકટની વળતર સંબધિત કેસના ચુકાદામાં સુપ્રિમનું મહત્વપૂર્ણ તારણ: જમાઈ પર નિર્ભર સાસુને વળતર માટે હક્કદાર ગણવા આદેશ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે, સાસુ જમાઈના કાયદેસરના વારસદાર ન હોઈ શકે પરંતુ મોટર વ્હીકલ એકટ હેઠળના વળતર માટે હક્કદાર ગની શકાય છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કેરળ હાઇકોર્ટના અભિપ્રાય સાથે અસહમતી દર્શાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, સાસુએ જમાઈના વળતર કેસની હક્કદાર બની શકે નહીં.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ૨૦ જૂન ૨૦૧૧ ના રોજ એક માર્ગ અકસ્માતમાં ગણિતના પ્રોફેસર એન. વેણુગોપાલન નાયરનું મોત નીપજ્યું હતું. જે બાદ મોટર અકસ્માત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવતા વળતર માટે સાસુ માટે પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.
નોંધનીય બાબત છે કે, ૫૨ વર્ષીય નાયર તેમની પત્ની, બે પુત્રીઓ અને સાસુ સાથે રહેતા હતા. કેરળ હાઈકોર્ટે પરિવારને આપવામાં આવતા વળતરને ઘટાડીને કહ્યું હતું કે ટ્રિબ્યુનલે નિર્ભરતા વળતરનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરાયેલી અપીલ સ્વીકારી હતી અને વીમા કંપનીને પીડિત પરિવારને રૂ. ૮૫.૮૧ લાખ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, રેકોર્ડ પરની સામગ્રી સ્પષ્ટપણે સ્થાપિત કરે છે કે, સાસુ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો સાથે રહેતી હતી અને તેના રહેઠાણ અને રોજિંદી જરૂરિયાતો માટે જમાઈ પર નિર્ભર હતી.
ભારતીય સમાજમાં તે અસામાન્ય નથી કે સાસુ તેની વૃદ્ધાવસ્થા દરમિયાન તેની પુત્રી અને જમાઈ સાથે રહે અને તેના ભરણપોષણ માટે તેના જમાઈ પર નિર્ભર રહે. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને કૃષ્ણા મુરારીની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે, સાસુ કાનૂની વારસદાર બની શકે નહીં પરંતુ નાયરના મૃત્યુને કારણે ચોક્કસપણે અસરગ્રસ્ત છે. આવી સ્થિતિમાં અમને એવું માનવામાં કોઈ ખચકાટ નથી કે, તે મોટર વાહન અધિનિયમની કલમ ૧૬૬ હેઠળ કાનૂની પ્રતિનિધિ છે અને દાવાની અરજી દાખલ કરવા માટે હકદાર છે.