અપૂરતો ખોરાક, ગંદકી અને સારવારના અભાવે મુંગા જીવોનો ભોગ; જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલા લેવા એનીમલ વેલ્ફેર કાઉન્ડેશનની માંગ
જામનગર મ્યુનિ. કોર્પો. સંચાલીત રણજીતસાગર ખાતેના ઢોરવાડામાં કર્મચારીઓની ગુનાહીત બેદરકારી, ખોરાનો અભાવ, ગંદકી તથા સારવારના અભાવને કારણે નિયમીત રીતે રોજબરોજ પ્રાણીઓના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન ૫ થી ૬ પ્રાણીઓના મોત થાય છે. અને છેલ્લા ૭ માસ દરમ્યાન અપૂરતા ખોરાકને કારણે ૨૮૮ પ્રાણીઓના કરૂણ મોત થયા છે.
જેને લઈ પાલીકાના કોર્પોરેટરોએ ઢોરવાડાની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં ૬ પ્રાણીઓ મૃત હાલતમાં પડયા જોવા મળ્યા હતા. પ્રત્યેક પ્રાણીને પ્રતિદિન ૨૦ કિલો ઘાસચારાની જરૂર પડે છે.
પરંતુ ઢોરડબ્બામાં ૪૨૧ પ્રાણીઓ હતા જેને પ્રતિદિન ૮૪૦૦ કિલોગ્રામ ઘાસચારાની જરૂરીયાતની સામે ફકત ૧૧૦૦ કિલો ઘાસ ઉપલબ્ધ જોવા મળ્યું હતુ ઢોર ડબ્બામાં સફાઈનો સદંતર અભાવ જોવા મળ્યો છે. ગંદકીના થર પર પશુ અને ઘાસચારો પાથરવામાં આવે છે. આ ઢોર ડબ્બામાં ડોકટરની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી અને તમામ પ્રાણીઓને ભગવાન ભરોસે છોડી દેવામા આવ્યા છે. ધી પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ ૧૯૬૦ની કલમ ૩ મુજબ પ્રાણીઓ જે વ્યકિત કે સંસ્થાના કબજામા હોયતેની સંપૂર્ણ કાળજી રાખવાની ફરજ તેના પર મૂકવામાં આવી છે.
વધુમાં આજ કાયદાની સેકશન ૧૧ મુજબ પ્રાણીઆ પ્રત્યે ક્રુરતા આચરવી તે શિક્ષાપાત્ર ગુન્હો બને છે. ત્યારે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા એ વિરોધ કર્યો છે. અને આ ઢોરડબ્બાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ઢોરડબ્બાની કામગીરી સંભાળતા જવાબદાર અધિકારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ધી પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટની સેકશન ૩ અને ૧૧ તથા બંધારણના આર્ટીકલ ૨૧ના ભંગ બદલ એફ.આઈ.આર. નોંધાવા તથાતેમની સામે ખાતાકીય કાર્યવાહી કરી ગંભીર શિક્ષાત્મક પગલા લવે માંગ કરી છે.
અને ઢોર ડબ્બાની કામગીરીમાં સરેઆમ નિષ્ફળ ગયેલા સંબંધીત અધિકારી પાસેથી તાત્કાલીક આ કામગીરી હટાવી લેવા જરૂરી અદેશ કરવા પણ એનીમલ વેલફેર ફાઉન્ડેશનના પંકજભાઈ બુચે માંગ કરી છે.