મોહનભાઈ ડેલકરે આ માંગના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યકત કર્યો
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીનાદિવસો જ બાકી છે. ત્યારે સતત રાજકીય ફટકા ખાઈ રહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મોહનભાઈ ડેલકરે તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સંઘ પ્રદેશના નાગરીકોની અલગ રાજય બનાવવાની માંગને સંતોષવા ડેલકરે પાર્ટીમાંથી રાજીનામું આપીને એકલા હાથે અપક્ષ ચૂંટણી લડી રહ્યાના દાવો કર્યો હતો.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી વખતે દેશભરમાં રહેલી મોદી લહેર છતા માત્ર ૬,૨૧૪ મતોથી હારેલા મોહનભાઈ ડેલકરે આદિવાસી નેતા તરીકે આગવી છાપ ધરાવે છે.૨૦૦૯માં માત્ર ૬૧૮ મતોથી હારેલા ડેલકર ૨૦૦૪માં ભારતીય નવશકિત પાર્ટીના બેનર હેઠળ ૧૨,૮૯૩ મતોની બહુમતીથી ચૂંટાયા હતા. આ પહેલા ડેલકર ૧૯૮૯થી સતત છ લોકસભામાં સાંસદ તરીકે અપક્ષ, કોંગ્રેસ, ભાજપ, અપક્ષ અને ભારતીય નવશકિત પાર્ટીના બેનર હેઠળ ચૂંટાતા આવ્યા છે. જેથી આ સંઘ પ્રદેશના રાજકારણમાં મોહનભાઈ ડેલકર એક આગવી લોકચાહના ધરાવે છે.
મોહનભાઈ ડેલકરે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમને દાદરાનગર હવેલી પ્રદેશને સંપૂર્ણ રાજય બનાવવાની મતદારોની માંગના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. વેંકેયા નાયડુ કમિટીએ ૨૦૧૬માં દાદરાનગર હવેલીને સંપૂર્ણ રાજય બનાવવાની કેન્દ્ર સરકાર ભલામણ કરી છે. આ ભલામણનો અમલ થાય તે માટે તેઓ લાંબા સમયથી લડત ચલાવીરહ્યા છે. જો મિઝોરમ અને નાગાલેન્ડને સંપૂર્ણ રાજય મળી શકતુ હોય તો દાદરાનગ હવેલીને કેમ નહી? તેવો પ્રશ્નાર્થ કરીને ડેલકરે લોકસભાની ચૂંટણીમાં અપક્ષ લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે તેઓ અપક્ષ જીતશે તો જે પાર્ટી દાદરાનગર હવેલીને સંપૂર્ણ રાજય બનાવવા પહેલ કરશે તેને ટેકો આપશે આ પ્રદેશમાં બેરોજગારીના પ્રશ્નો, સ્થાનિક લોકો માટે રોજગારી સર્જન, આદિવાસીઓને જંગલભૂમિ આપવા સહિતના મુદાઓ પર ચૂંટણી લડશે તેમ ઉમેર્યુ હતુ. ડેલકરે કોંગ્રેસ છોડતા પહેલા પોતાના ટેકેદારોની એક બેઠક બોલાવી હતી.
જેમાં મોટી સંખ્યામાં ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ટેકેદારોએ ડેલકરને કોંગ્રેસનો ત્રિરંગો ફગાવીને અપક્ષ ચૂંટણી લડવા આગ્રહ કર્યો હતો. જેથી ડેલકરે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદ તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતુ.ડેલકરના આ નિર્ણયથી આ મતક્ષેત્રમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના સેવાઈ રહી છે જોકે કોને સાંસદ ચૂંટવા તે મતક્ષેત્રનાં ૨.૫ લાખ મતદારો ૨૩મી એપ્રીલે નિર્ણય કરશે.