કોલેજો, યુનિવર્સિટીઓ હવે ૧૪મી એપ્રીલ સુધી બંધ: ૪ એપ્રીલથી શરૂ થનારી પરીક્ષાઓ પણ મોકુફ
સરકારે ગઈકાલે ૩૧મી સુધી સંપૂર્ણ ગુજરાત લોકડાઉનનો આદેશ કર્યા બાદ ગઈકાલે વડાપ્રધાને સમગ્ર દેશને ૨૧ દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરતા હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ૧૪ એપ્રીલ સુધી સંપૂર્ણપર્ણે લોકડાઉન રહેશે. જેને પગલે હવે પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી છે અને સ્કૂલો બાદ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ માસ પ્રમોશનની માંગ ઉઠવા પામી છે.
વડાપ્રધાન મોદીએ આગામી ૧૪મી એપ્રીલ સુધી એટલે કે, ૨૧ દિવસ માટે સમગ્ર દેશને સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જેને પગલે હવે રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ સંપૂર્ણપર્ણે બંધ રહેશે. વડાપ્રધાને કોરોનાની સ્થિતિને વધુ ગંભીર રીતે ગણતા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ત્યારે હવે યુનિવર્સિટીઓ અને કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થવા સાથે શિક્ષકો, અધિકારીઓ અને વહીવટી કર્મચારીઓ માટે પણ ૨૧ દિવસ માટે સંપૂર્ણ રજા રહેશે. ૧૪ એપ્રીલ સુધી યુનિવર્સિટીઓ સંપૂર્ણપણે લોકડાઉન થનાર હોય તો આગામી ઉનાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ ન લેવાય તેવી સ્થિતિ હાલમાં સર્જાઈ છે જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ૪ એપ્રીલથી શરૂ થનારી પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૫મી માર્ચથી શરૂ થયેલી પરીક્ષાઓ અંતર્ગત ૧૫ માર્ચ સુધી માત્ર રીપીટરોની જ પરીક્ષાઓ લઈ શકાય છે. રેગ્યુલર વિદ્યાર્થીઓની યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ ૨૩ માર્ચથી શરૂ થવાની હતી જે મોકુફ કરાયા બાદ હવે ૧લી એપ્રીલથી શરૂ થનારી તમામ યુજી-પીજીની પરીક્ષાઓ અને મેડિકલ, ડેન્ટલ, પેરા મેડિકલ પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાઈ છે.
આ ઉપરાંત જીટીયુ દ્વારા ૧લી એપ્રીલથી શરૂ થનારી પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાઈ છે. એપ્રીલમાં ટેકનીકલ કોસ્ટની યુજીપીજીની પ્રેકટીકલ પરીક્ષા હતી. તેમજ કેટલા કોર્ષમાં થીયરીકલ પરીક્ષા હતી. આ ઉપરાંત મે માં તમામ કોર્ષમાં સમર સેમેસ્ટરની થીયરી પરીક્ષા શરૂ થનાર હતી પરંતુ ૨૧ દિવસના લોકડાઉનના પગલે જીટીયુ દ્વારા આગામી તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પરમારના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કા સહિતની પરીક્ષાઓ મોકુફ કરી દેવામાં આવી છે. હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ હોય. યુનિવસિર્ટીમાં પણ કર્મચારીઓને રજા આપી દેવાઈ છે. ૧૫ એપ્રીલ બાદ સ્થિતિને અનુરૂપ નવો પરીક્ષાનો કાર્યક્રમ કમીટીના નક્કી કર્યા મુજબ જાહેર કરવામાં આવશે. સ્કૂલોમાં ગઈકાલે સરકારે માસ પ્રમોશન આપી દેતા હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ માસ પ્રમોશનની માંગ કરવામાં આવી રહી છે. સરકારે અગાઉ ૩૧મી સુધી તમામ યુનિવર્સિટીને લોકડાઉનનો આદેશ કર્યા બાદ હવે પીએમની જાહેરાત પછી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓને ૧૪મી એપ્રીલ સુધી લોકડાઉન કરવાની સુચના અપાઈ છે.