- રાજધાનીમાં અલગ-અલગ ત્રણ બેચમાં કોંગ્રેસ દ્વારા યોજાશે દેશના 700 જિલ્લાના અધ્યક્ષોની મહત્વપૂર્ણ બેઠક: સંગઠનને મજબૂત કરવાનો મુખ્ય હેતુ
સંગઠન શક્તિના આધારે જ સત્તા સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ વાત દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના નેતાઓ હવે બરાબર સમજી ગયા છે. ગત વર્ષ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ધાર્યા કરતા સારા પરિણામો મળ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નવા જ ઉત્સાહનો સંચાર થયો છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશ મળનાર છે તે પૂર્વ પક્ષ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે રાજધાની નવી દિલ્હી ખાતે અલગ-અલગ ત્રણ બેચમાં દેશના 700 જિલ્લાના પ્રમુખોની સંગઠાત્મક બેઠક યોજાશે. આગામી 3 એપ્રિલના રોજ ગુજરાતના 33 જિલ્લા અને 10 શહેરોના પ્રમુખોની બેઠક યોજાશે.
છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસ કેન્દ્રમાં સત્તાથી વંચિત છે. અલગ-અલગ રાજ્યોમાં પણ કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે. ગત વર્ષ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભલે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા હાંસલ કરવામાં નિષ્ફળ રહી હોય પરંતુ ચુંટણીના પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહવર્ધક રહ્યા હતા. ભાજપને બહુમતીથી દુર રાખવામાં કોંગ્રેસ સફળ રહી હતી. હાલ કેન્દ્રમાં ભાજપ નહીં અને એનડીએની સરકાર કાર્યરત છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંગઠન માળખાને મજબૂત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
નવી સંગઠાત્મક રણનીતીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા દેશભરના 700થી વધુ જિલ્લાના અધ્યક્ષોનું રાજધાની નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક અલગ-અલગ ત્રણ તબક્કા અર્થાત્ બેચમાં યોજાશે. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે.
ગુજરાતમાં આવતા વર્ષ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચુંટણી યોજાવાની છે ત્યારબાદ વર્ષ-2027માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે સંપૂર્ણ ધ્યાન ગુજરાત પર કેન્દ્રીત કર્યું છે અને રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે કમ્મર કસવામાં આવશે. દેશના 700 જિલ્લાના અધ્યક્ષોની દિલ્હી ખાતે ત્રણ દિવસની બેઠક યોજાશે. જેનો મુખ્ય ઉદ્ેશ એક નવુ સંગઠાત્મક માળખુ અમલમાં મુકવાનો છે. પાર્ટીને પાયાથી જ મજબૂત કરવાનો ઇરાદા છે.
આગામી 3 એપ્રિલના રોજ દિલ્હી ખાતે ગુજરાતના 33 જિલ્લાના પ્રમુખ અને 10 શહેરોના અધ્યક્ષ સાથે હાઇકમાન્ડ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ તે પૂર્વ દેશના 700 જિલ્લાના પ્રમુખ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
લાંબા સમય બાદ કોંગ્રેસ સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ હવે સતત સંગઠન માળખાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જો કોંગ્રેસ જૂથવાદ, વાદ વિવાદ અને પરિવારવાદમાંથી બહાર નિકળી જનતાને સિધ્ધી અસર કરતા પ્રશ્ર્નો સાથે ચુંટણી જંગમાં ઝંપલાવે તો ચોક્કસ પક્ષને સફળતા મળે તેમ છે.