ખુન કા બદલા ખુન
ભયંકર જુથાવાદ સંકલનનો અભાવ, આડેધડ ટિકિટ ફાળવણીના કારણે ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં કોંગેસનો કારમો પરાજય થયો હોવાની વાત જગ જાહેર છે. ચુંટણી પરિણામના 11 માસ બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઇ બારડે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું છે કે, પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરના કારણે ગુજરાતમાં કોંગ્રેસની પથારી ફરી ગઇ છે. રાજસ્થાન વિધાનસભાની આગામી ચુંટણીમાં રઘુ શર્માને હરાવવા માટે ગુજરાત માંથી કોંગ્રેસના અનેક નેતા રાજસ્થાન પહોચ્યા હોવાનો તેઓએ ધડાકો કયો છે.
ડો. રઘુ શર્મા અને જગદીશ ઠાકોરની જોડીએ ગુજરાત કોંગ્રેસની પથારી ફેરવી: કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલનું વિસ્ફોટક નિવેદન
કોંગ્રેસ હાઇકમાન્ડ સામે હવે ભાજપ કે અન્ય રાજકીય પક્ષો સાથે લડવા કરતા મોટો પડકાર ખુદ પોતાના પક્ષના નેતાઓ સામે લડવાનો મોટો પ્રશ્ર્ન આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ગત વર્ષ યોજાયેલી સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો. 2017મા 77 બેઠકો જીતનારી કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ હતી. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલે ચુંટણી પરિણામના 11 માસ બાદ મોઢુ ખોલ્યું છે. તેઓએ સ્ફોટક નિવેદન આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રભારી ડો. રઘુ શર્મા અને પૂવ પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોરે ચુંટણી સમયે મોટો સોદો કર્યો હતો. જેના કારણે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. રાજસ્થાન વિધાનસભાની આગામી ચુંટણીમાં ડો. રઘુ શર્મા ભાંડો ફુટી જશે. રઘુ શર્માને હરાવવા માટે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા રાજસ્થાન પહોંચી ગયા હોવાનો ધડાકો તેઓએ કર્યો છે.
લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર છ માસનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ અવાજ ઉઠાવવાનું શરુ કરતા પ્રમુખ શકિતસિંહ ગોહિલ સામે મોટો પડકાર આવી ગયો છે.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે પોતાના અસ્તિત્વ સામે રિતસર ઝઝુમી રહ્યા છે. જેનું મુખ્ય કારણ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી રહી છે. ટિકીટના અનેક દાવેદારો હોવા છતાં જયારે કોઇ એક વ્યકિતને ટિકીટ આપવામાં આવે ત્યારે અન્ય દાવેદારો પંજાની પકડ મજબૂત કરાવવાના બદલે પોતાના જ ઉમેદવારોને હરાવવા મેદાનમાં આવી ગયા છે. પૂર્વ પ્રભારી ડો. રઘુ વર્મા અને જગદીશ ઠાકોરની જોડીએ ટિકીટ ફાળવણીમાં મોટો સોદો કર્યા હોવાના કારણે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં હારેલા નેતાઓ ‘રાજકીય ખુન કા બદલા રાજકીય ખુન’ તરીકે લેવા ડો. રઘુ શર્માને હરાવવા રાજસ્થાન પહોંચી ગયા છે.