આજના બાળકો અને યુવાનોનો બુદ્ધિ આંક (IQ)એ કદાચ પહેલા ના સમય કરતાં વધ્યો હશે કારણકે ભણવામાં, ટેકનોલોજીના ઉપયોગમાં બાળક અને યુવાનો એ મોટેરાઓ કરતા બે ડગલાં આગળ છે. પરંતુ આવેગિક બુદ્ધિ (EQ) ક્યાંક ઓછી થતી હોય એવું પણ પ્રતિત થઈ રહ્યું છે. બાળકો અને ખાસ ઘણાં યુવાનોનું વર્તન, મનોવિજ્ઞાન ભવનમાં અમુક કાઉન્સેલિંગ ના કેસ ની ચર્ચા કરતા વિદ્યાર્થી હિરપરા ધારા અને અધ્યાપક ડો. ધારા આર.દોશીનું સૂચન છે કે બાળકો અને યુવાનોએ બહુ કાળજીથી વર્તન કરવાની જરૂર છે. બુદ્ધિ અગત્યની છે પરંતુ આવેગિક બુદ્ધિ ખૂબ જરૂરી છે.
ભાવનાત્મક બુદ્ધિ શું છે?
વ્યક્તિ પોતાની લાગણીઓ, ભાવનાઓ સાથે પોતાના આવેગોનું નિયંત્રણ ,નિયમન કે વ્યવસ્થાપન કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તે પોતાના આવેગો પર કેટલું નિયમન કરી શકે છે તેના પર તેની સફળતા કે અસફળતાનો આધાર રહેલો છે. આ પ્રકારની શક્તિને મનોવિજ્ઞાન ની પરિભાષામાં આવેગિક બુદ્ધિ નું નામ અપાયું છે. IQનું સ્થાન હવે EQ એ લીધેલું છે. પ્રથમકિસ્સા એક યુવક જે મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે આવેલ. 5 વર્ષથી તે ભણવા માટે કોલકતા રહેતો હવે અહીં આવે તેને કોઈ ગમતું નથી, માતા પિતા કોઈ કઈ કહે તો ટોર્ચર લાગે છે અને બસ ઘર મૂકી જતું રહેવું છે એ જ વિચાર આવે છે.
બીજા કિસ્સામાં એક યુવકે સ્વીકાર્યું કે તેણે ઘણી છોકરીઓને બુદ્ધિથી પોતાની વાતો માં ફસાવી તેની સાથે પ્રેમ સંબધ સ્થાપિત કર્યા. એ દરેક છોકરીને અલગ અલગ વાતો કહી પોતાની વ્યક્તિ બનાવી મિત્ર વર્તુળોમાં રોફ જમાવતો કે મારે ઘણી ગર્લ ફ્રેન્ડ છે. અમુક સાથે તેને શારીરિક સંબંધો પણ હતા. પણ હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તેને વિચારો આવે છે કે ક્યાંક તેનો ઇતિહાસ ખબર પડી જશે તો એ શું કરશે? વગેરે વગેરે જોવાઅને જાણવા મળ્યું.
બુદ્ધિઆંક અગત્યનો છે પરંતુ આવેગિક આંક, આવેગિક બુદ્ધિ પણ ઘણી જગ્યાએ વધુ મહત્વની પુરવાર થાય છે. ભાવનાત્મક બુદ્ધિવાળા વ્યક્તિઓ તેમની લાગણીઓને સાંભળીને અન્ય લોકો સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરે છે. તમારી ભૂલો સ્વીકારો અને કોઈની પાસેથી કઈક શીખો. આવેગિક બુદ્ધિ વાળી વ્યક્તિ નવા વિચારો અને માહિતીને સરળતાથી શીખી શકે અને શીખવી શકે છે. મતભેદને સરળતાથી હલ કરો. જાતને પ્રભાવી બનાવવા માટે માત્ર બુદ્ધિવાળું નહિ પણ લાગણી યુક્ત વર્તન પણ જરૂરી છે.
આવેગિક બુદ્ધિ વધારવા માટે મનોવૈજ્ઞાનિક સૂચનો
- તમારી લાગણીઓને યોગ્ય રીતે ઓળખો અને વ્યવસ્થાપન કરો
- લાગણીઓનું કારણ સમજવાનો પ્રયત્ન કરો
- તમને જે લાગે છે તે મુક્તપણે બોલો
- અન્યના સારા ગુણોને માન આપો અને ઓળખો
- જ્યારે તમે ગુસ્સો અથવા અસ્વસ્થતા અનુભવો ત્યારે શાંત રહો
બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર
- પોતાની જાતમાં વ્યસ્ત રહેવું
- ઊંઘ અથવા ખાવાની રીતમાં ફેરફાર
- દીર્ધકાલીન સ્વાસ્થ્ય સમસ્યા
- યુવાનોમાં દારૂ, તમાકુ અથવા અન્ય દવાઓનો વધુ ઉપયોગ
- બુદ્ધિપૂર્વક રીતે કોઈ પાસે સહેલાઈથી ખોટું બોલવું
- કોઈની લાગણી ન સમજવી
- વડીલો સાથે અયોગ્ય વર્તન