આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની સફર ખતમ થવાની સાથે જ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે નવો ખુલાસો કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ગંભીરનું કહેવું છે કે તેણે ક્યારેય ખુદને અંતિમ ઈલેવનમાંથી ડ્રોપ નથી કર્યો. ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન નહોતી કરી રહી ત્યારે મેં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ હું એક પણ લીગ મેચ રમી શક્યો નહીં.
વર્તમાન આઇપીએલમાં ગૌતમ ગંભીર શરૂઆતની છ જ મેચમાં રમ્યો, જેમાંથી પાંચમાં કેપ્ટન તરીકે તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટીમના આ કંગાળ પ્રદર્શન બાદ ગંભીરે કેપ્ટનશિપ છોડી દીધી. દિલ્હીએ બાદમાં શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવી દીધો.
ત્યાર બાદ દિલ્હીની ટીમ શ્રેયસના નેતૃત્વમાં આઠ મેચ રમી અને એમાંથી એક પણ મેચમાં ગંભીર મેદાનમાં ઊતર્યો નહોતો. શ્રેયસને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું, ”તેણે (ગંભીરે) ખુદે મેચમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો.” હવે ગંભીરે ચુપકિદી તોડી છે.
ગંભીરે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું, ”એ ખોટી વાત છે કે મેં ખુદને પ્લેઇંગ ઈલેવનની બહાર રાખ્યો. ટીમ મેનેજમેન્ટે જે નિવેદન આપ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. હા એવું બની શકે કે મેનેજમેન્ટ કોઈ ગેમ પ્લાન બનાવી રહી હતી તેથી મને અંતિમ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો.
એનાથી મને કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ હવે એ વાત વારંવાર કહેવામાં આવી રહી છે કે ગંભીર ખુદ જ પીછે હટી ગયો છે તો એ વાત ખોટી છે.” ગંભીરના આ નિવેદનથી એ તો નક્કી થઈ જ ગયું છે કે દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં કંઈક તો રંધાયું જ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com