જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. ત્યારે ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી નિર્ણયનો અમલ થશે. રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ જંત્રી દર અમલમાં આવશે. બાર વરસ બાદ જંત્રીમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમર્યાતરે નકકી કરવામાં આવે છે. ત્યારે રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતા જંત્રીમાં ૧૨ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.
વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે.
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂ।.૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂ. ૨૦૦/- દર ગણવાનો રહેશે.