જોકે કોંગ્રેસના પાંચેય ધારાસભ્યોએ ભાજપમાં જોડાતા હોવાની વાતને પાયાવિહોણી અને અફવા ગણાવી નકારી કાઢી
લોકસભાની ચુંટણી નજીક આવતા હવે ભાજપ અને કોંગ્રેસમાં આયારામ ગયારામનો દૌર શરૂ થઈ ગયો છે. કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાએ ૮ મહિના પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લીધો છે અને કેબિનેટ મંત્રી પણ બની ચુકયા છે. બીજી તરફ કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્યો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તે વાતે ફરી વેગ પકડયો છે જોકે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આ વાતને પાયાવિહોણી અને અફવા ગણાવી નકારી કાઢી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા અને ધવલસિંહ ઝાલા સહિતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લે તેવી ચર્ચા આજે સવારથી ચાલી રહી છે જોકે આ પાંચેય ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભરતા હોવાની વાતને પાયાવિહોણી અને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. બીજી તરફ વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ કોંગ્રેસના આ પાંચેય ધારાસભ્યો પક્ષને લોકસભાની ચુંટણી માટે ટીકીટ આપવા રીતસર દબાવી રહ્યા છે જો ટીકીટ આપવામાં નહીં આવે તો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાવવાની પણ ધમકી ઉચ્ચારી રહ્યા છે.