કાળમુખા ટેન્કરે એક્ટિવાને ઠોકરે લેતા પિતા ઘવાયા : પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો
માધાપર ચોકડીએ જીવલેણ અકસ્માતમાં પિતાની નજર સામે જ ૧૭ વર્ષના પુત્રનું ટેન્કર હેઠળ મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.ઘવાયેલા પિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે દોડી જઇ પુત્રના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી નાશી છૂટેલા ટેન્કર ચાલક સામે ગુનો નોંધયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિનાયક વાટિકામાં રહેતા રાજેશભાઇ બચુભાઇ પરમાર (ઉ.વ ૪૭) નામના પ્રજાપતિ આધેડને કામે જવું હોઇ તેમને ૧૭ વર્ષનો પુત્ર દર્શન પરમારના એકટીવામાં બેસી માધાપર ચોકડીએ ગયા હતા. જ્યાં એક્ટિવા ઉભું રાખતાની સાથે પુરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કર ચાલકે પાછળથી એક્ટિવાને હડફેટે લઈ પિતા-પુત્રને ફંગોળી દીધા હતા. પુત્રનું ગંભીર ઇજાથી પિતાની નજર સમક્ષ જ મોત નીપજ્યું હતું.જયારે ઘવાયેલા પિતાને ૧૦૮ મારફતે સ્થાનિક લોકોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની અંગેની જાણ થતાં ગાંધીગ્રામ હેડકોન્સ. ઘેલુભાઇ શિયાળ તથા મહેશભાઈએ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દર્શન બે ભાઈ માં નાનો હતો અને ધોરણ-૧૨ની બીજી વખત પરિક્ષા આપી હતી. તેના પિતા રાજેશભાઇ પરમાર ઇમિટેશન નું કામ કરવા જતાં હોય પુત્ર દર્શને તેને માધાપર ચોકડી સુધી એકટીવા માં બેસાડી મુકવા આવ્યો હતો. એકટીવા ઉભું રાખ્યું ત્યાં જ ટેન્કર કાળ બન્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર મુકીને ચાલક ભાગી ગયો હતો. અકસ્માત અંગેનો ગુનો નોંધી પોલીસે નાશી છૂટેલા ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.