જામનગર નજીકના લાલપુર બાયપાસથી દરેડ વચ્ચે શનિવારે સવારે એક મોટરે આગળ ચાલ્યા જતાં બે વૃદ્ધા સહિત ત્રણને ઉડાડતા ગંભીર ઈજા પામેલા એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક મહિલા પોતાના માતાના અવસાન પછી રાખવામાં આવેલી ક્રિયામાં ભાગ લેવા માટે આવ્યા હતા.
જામનગર નજીકના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે શનિવારે સવારે હિરજીભાઈ શામજીભાઈ રોલા (ઉ.વ.૮૦)રૂડાઈબેન હિરજીભાઈ રોલા (ઉ.વ.૮૦) તથા તેમના દેરાણી લીલાબેન રોલા (ઉ.વ.૭૮) કાલાવડના ડુંગરાણી દેવરિયા ગામથી જામનગર આવી ખંભાળિયા બાયપાસ પાસે આવેલી મારૃતિ નંદન સોસાયટીમાં જવા માટે લાલપુર બાયપાસે બસમાંથી ઉતર્યા હતા.
ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ ચાલીને રવાના થયા ત્યારે ફેસ-રના ગેઈટ નં.૧ નજીક પાછળથી જીજે-૧૦-બીજી ૯૫૯૩ નંબરની ઈકો મોટર પૂરઝડપે ધસી આવી હતી. આ મોટરે બન્ને વૃદ્ધાઓને ફૂટબોલની માફક ફંગોળતા ડાઈબેનને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે લીલાબેનને પણ સામાન્ય ઈજા થઈ હતી. આ સ્થળે એકઠા થઈ ગયેલા લોકોએ ૧૦૮ને જાણ કરી હતી તે દરમ્યાન ઈકો મોટરનો ચાલક પોતાનું વાહન મૂકી નાસી છૂટયો હતો. બન્ને ઈજાગ્રસ્તોને સારવારમાં જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં માર્ગમાં ડાઈબેનનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મૃતકના પતિ હિરજીભાઈ શામજીભાઈ રોલા દોડી આવ્યા હતા. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ હિરજીભાઈના સાસુનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું જેની શનિવારે પાણીઢોળની વિધિ હતી તેમાં ભાગ લેવા માટે હિરજીભાઈના પત્ની ડાઈબેન તથા લીલાબેન આવ્યા હતા અને તેઓને કાળમુખી મોટરે ઉડાડયા હતા. પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા મોટરચાલકની શોધ શરૃ કરી છે.