સ્વાઈનફલુના ૧૧ પોઝીટીવ અને ૩ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈનફલુએ હાહાકાર મચાવ્યો હોય અને આરોગ્ય તંત્ર સ્વાઈન ફલુને નાથવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ એક પછી એક વ્યકિતઓ સ્વાઈનફલુના ભોગ બની રહ્યા છે. જેમાં શહેરના ગાંધી વસાહતના વૃદ્ધનું સ્વાઈનફલુના રીપોર્ટ પહેલા જ મોત નિપજયું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મોરબી રોડ પર ગાંધી વસાહત સોસાયટીમાં રહેતા અમૃતભાઈ નાનજીભાઈ રત્નોતર નામના ૭૦ વર્ષના વિપ્ર વૃદ્ધને સ્વાઈન ફલુની અસર થતા તેને સારવાર અર્થે કાલે સાંજે સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરાયા હતા જયાં તેમનો રીપોર્ટ આવે તે પહેલા જ વિપ્ર વૃદ્ધે મોડીરાત્રે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો. વિપ્ર વૃદ્ધના મૃત્યુથી સ્વાઈન ફલુ વોર્ડના દાખલ દર્દીઓમાં ફફડાટ મચી ગયો છે. હજુ સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૧ પોઝીટીવ અને ૩ શંકાસ્પદ મળી કુલ ૧૪ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. રોજબરોજ સ્વાઈનફલુના કેસમાં થતા વધારાને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.