અગાઉ થયેલી માથાકૂટમાં સમાધાન કરવા માટે બોલાવી બે યુવાન પર છરી વડે હુમલો કર્યો’તો: યુવાનની હત્યાથી પરિવારમાં શોક
મોરબીમાં એક સપ્તાહ પહેલા રેલવે સ્ટેશન પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે સમાધાનના બહાને બોલાવી બે યુવાનને છરી ઝીંકી દેતા એક યુવાનનું સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી ઉમિયાચોકમાં રહેતા પપ્પી નાગજીભાઈ વીકાણી (ઉ.વ.20) અને ગણેશનગરમાં રહેતા જીતેશ કાંતિભાઈ કાજીયા (ઉ.વ.25) પર ભદુ ઉર્ફે અર્જુન અને પિયારુ સહિતના શખ્સોએ ગત તા.16મી ડિસેમ્બરના રોજ રેલવે સ્ટેશન પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે છરીથી હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં આજરોજ વહેલી સવારે પપ્પી વીકાણીએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે.આ અંગે રેલવે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ 10 વર્ષ પહેલાં ભદુ ઉર્ફે અર્જુન સાથે 10 વર્ષ પહેલાં માથાકૂટ થઈ હતી.
જેમાં સમાધાન માટે માતાજીના મંદિરે બોલાવી સમ ખવડાવવા પપ્પીને બોલાવ્યો હતો. પરંતુ ત્યાર હાજર શખ્સોએ યુવાનને સમાધાનના બહાને છરી ઝીંકી દેતા યુવાનની લોથ ઢળી હતી. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથધરી છે.