પગ નીચે રાખેલું વાસણ ખસી જતા સાચે ગળાટૂંપો લાગી ગયો 

લોકો નજીવી બાબતે આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે. અને આ બનાવોને પગલે બાળકોમાં પણ અસર જોવા મળી રહી છે. જેને કારણે માસુમો  સામાન્ય બાબતોથી આપઘાતનો માર્ગ અપનાવતા અચકાતા નથી. ત્યારે એક અજીબ આપઘાતનો બનાવ પ્રકાશિત થયો છે.જેમાં 11 વર્ષની તરુણીનું ફાંસો લાગી જવાથી મોત નીપજ્યું છે. ગળાફાંસો કેવી રીતે ખવાય તેવું તેની બહેનોને બતાવતી વેળાએ તરુણીને સાચે જ ફાંસો લાગી જતા તે મોતને ભેટી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે રાજકોટમાં રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા કોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં સમીક્ષા નરેશસિંઘ લોહાર નામની 11 વર્ષીય તરુણીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની જાણ 108ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા પીઆઇ એમ.બી.ઔસુરા સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીના પિતા નરેશસિંઘની પૂછપરછમાં જણાવ્યું કે, તે મૂળ નેપાળના છે અને એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યા છે.અને આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. દરમિયાન ગઇકાલે મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેય મરવાની વાતો કરતા હતા. ત્યારે સમીક્ષાએ જો આવી રીતે ફાંસો ખાઇને મરી જવાય તેમ કહી રૂમ પાસેના એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ રાખી તેના પર ઊભી રહી સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને ફાંસો લાગી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ પ્રારંભે બનાવ શંકાસ્પદ જણાતા મૃતકના માતા-પિતા તેમજ મૃતકની નાની બહેનોની સમજપૂર્વક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. બીજી તરફ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ અકસ્માતે ફાંસો લાગી જવાથી મોત નીપજ્યું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે તરૂણીના પરિવારજનો તેમજ નાની બહેનોના નિવેદનો લીધા હતા અને સમગ્ર બનાવ અકસ્માત હોવાનું જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.