કંડલાની ખાડીમાં ભરતીના પાણીમાં ન્હાવા પડેલા ચાર માસુમ ભાઈ-બહેનો ડુબ્યા હતા. જેમાંથી એક દસ વર્ષિય બાળકનું મોત થયું હતું. જયારે અન્ય ત્રણ બાળકીઓને બચાવી લેવામાં આવી હતી.
આ અંગે કંડલા પોલીસે જણાવ્યું હતું કે, મુળ બિહાર અને હાલે કંડલાના સર્વા ઝુંપડામાં રહેતા માસુમ ભાઈ-બહેનો બપોરે ભરતીનું પાણી ખાડીમાં આવતા ન્હાવા પડયા હતા પરંતુ પાણી વધારે આવી જતા તેઓ ડુબવા લાગ્યા હતા. જેના કારણે આ બાળકોએ રાડારાડ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
પાણીમાંથી ચારેય બાળકોને બહાર કાઢી રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં જુનેદ જાહુર આલમ (ઉ.વ.૧૦) નામના બાળકને મૃત જાહેર કરાયો હતો. જયારે અન્ય ત્રણ બાળકીઓ ખુશ્રુદી જાહુર (ઉ.વ.૯), આફ્રિન ફરૂદી (ઉ.વ.૭) તથા નસુબી જહુર (ઉ.વ.૬)ને બચાવી લેવામાં આવી હતી. આ ત્રણેય બાળકીઓની સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં તબીબો અને સુવિધા ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.