મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ કેટેગરીનાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે જેના માટે ફોર્મ વિતરણ કરાયા બાદ લોકડાઉન આવી જતા અનેક લોકો ફોર્મ આપવાથી વંચિત રહી ગયા છે. આવામાં એમઆઈજી કેટેગરીનાં આવાસનાં ફોર્મ પરત આપવાની મુદતમાં ૧૦ જુલાઈ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈડબલ્યુએસ-૨ ૫૪૨, એલઆઈજી- ૧૨૬૮, એમઆઈજી- ૧૨૬૮ આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જેના અનુસંધાને MIG આવાસના ફોર્મ તા.૧૭/૦૩/૨૦૨૦ સુધી મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. ત્યારબાદ કોરોના વાયરસની મહામારીના કારણે જે સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જેના કારણે ફોર્મ મેળવવા કે પરત આપવા માટે વિશેષ મુદત વધારો આપી શકાયેલ નહી. એમઆઈજી આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિશેષ તા.૧૫/૦૬/૨૦૨૦ થી તા.૧૦/૦૭/૨૦૨૦ સુધી મુદત લંબાવવામાં આવે છે. એમઆઈજી પ્રકારના ૧૨૬૮ આવાસ પૈકી, જયભીમનગર પાસે, હેવલોક એપા. સામે, નાનામવા ખાતે ૨૬૦, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ખાતે ૨૮૮, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઓસ્કારગ્રીન સિટીની બાજુમાં ૪૪૮, અને સેલેનીયમ હાઈટ્સની સામે, મવડીથી પાળ રોડ ખાતે ૨૭૨ આવાસ બનનાર છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.