નવા યુગમાં નવા દિવસોના “દીવડાઓની રોશની” જગ્યા હવે ઇલેક્ટ્રોનિક ડેકોરેટિવ લાઈટ સીરીઝે લીધી: બજારમાં પાંચ લઈ પાંચ હજાર સુધીની સીરીજો ની વિશાળ રેન્જ
તહેવારોની મહારાણી દિવાળી ની રૂમઝૂમ પધરામણી ની તૈયારીઓ હવે બજારની રોનક બદલનારી બની રહી છે… તહેવાર પ્રિય ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દિવાળી અને નવા વર્ષના તહેવાર ની ઉજવણી માટે લગભગ આખું વર્ષ તૈયારીઓ થાય છે, આ વર્ષે તો કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ ખુશીઓનો તહેવાર મોકળાશ મને ઉજવવાનો અવસર બન્યો છે.
ત્યારે બજારમાં કાપડ ઇલેક્ટ્રોનિક આઈટમ ફરસાણ થી લઈને વાહનોની ખરીદીમાં ભારે ઘરાકી એ તમામ વર્ગના વેપારીઓને એ વાતનો સધિયારો આપી દીધો છે કે બે વર્ષ ની વેપાર ખાધ નું આ વર્ષે “સવાયું વળતર” મળી જશે.
પ્રકાશ પર્વ દિવાળીમાં ફટાકડાની સાથે સાથે રોશની ને લગતી વસ્તુઓ ની માંગ હોય તેમાં કોઈ સંદેહ્ જ નથી.. અગાઉ, દિવાળીના દિવસે માટીના કોડીયામાં તેલના દીવા પ્રગટાવવામાં આવતા..
હતા આજે પણ અનેક પરિવારોએ જૂની પરંપરા જાળવી રાખી છે , પરંતુ ડેકોરેશનમાં હવે “ઇલેક્ટ્રોનિક સિરીઝો”ની બોલબાલા વધી છે રંગીલા રાજકોટમાં ઇલેક્ટ્રોનિક આઈટમોની બજાર ગણાતી સાંગણવા ચોક, કોઠારીયા રોડ, યાજ્ઞિક રોડ ,સામા કાંઠે “પેડક રોડ” મહુડી સહિતના તમામ વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક સિરીઝોની અવનવી રેન્જ ઉપલબ્ધ છે.
રૂપિયા પાંચથી લઈ પાંચ હજાર સુધીની સીરીઝોનું છેલ્લા એક અઠવાડિયા થી ધોમ વેચાણ થઈ રહ્યું છે. અગાઉ ઇલેક્ટ્રોનિક આઈટમોમાં ચાઇના ની મોનોપોલી હતી પરંતુ “મોદી મેજિક “થી હવે ઘર આંગણે પણ ચાઇના ને ટક્કર મારે તેવી સ્વદેશી ઇલેક્ટ્રોનિક આઈટમો ની વિશાળ રેન્જ બજારમાં આવી છે રાજકોટમાં દિવાળીમાં ઘરની રોશની ને વધુ ઝળહળતી કરવા માટે ઇલેક્ટ્રોનિક ડેકોરેટિવ આઈટમો બજારમાં ધોમ વેચાઈ રહી છે.