દીવડા જગમગ જગમગ થાય…
ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વારાણસી-કાશી એટલે માનવ જીવન અને મૃત્યુ બાદ મૂકિતનું અનુપમ-અલૌકિક સ્થળ માનવામાં આવે છે. ભગીરથરાજાએ પૂર્વજોનો ઉધ્ધાર કરવા તપ કરી ગંગાજીને પ્રગટ કરી પૃથ્વી પર આવવા ભગીરથની વિનંતી સ્વીકારી હતી. ત્યારબાદ ગંગાજીનું અવતરણ થયું એ પવિત્ર ગંગાજી વારાણસીમાં કાયમ વહેતી રહે છે.
પરંતુ હિન્દુ ધર્મનું આસ્થા કેન્દ્ર વારાણસી-કાશી અને તેમાં વહેતી ગંગા નદી ધીરેધીરે ‘મેલી’ થતી ગઈ જેની એક ફિલ્મ ગીત દ્વારા પણ જાણે કે નોંધ લેવાઈ હોયતેમ ‘રામ તેરી ગંગા મેલી હો ગઈ’ માનવે ગંદી કરેલી ગંગાની સફાઈ માટે મોદી સરકારે ભગિરથી કાર્ય હાથ ધર્યું હતુ.
ગંગાજીનું ‘શુધ્ધિકરણ’ કરવા ઉપરાંત વારાણસી-કાશીનો વિકાસને વૈશ્ર્વિક કક્ષાએ ફલીત કરવાની મહત્વકાંક્ષા ધરાવતા નરેન્દ્રભાઈએ ગુજરાતની સાથે સાથે વારાણસી-કાશી-બનારસ આમ ત્રિવેણી સંગમ રૂપ નામ ધરાવતા આ ક્ષેત્રને રાજકીય ક્ષેત્રે પસંદ કર્યું હતુ.
છેલ્લા ઘણા દાયકાઓથી ગંગાજીમાં ઠલવાતી મેલા રાજકારણની ગંદકીથી મેલી થયેલી પવિત્ર નદી ગંગાજીને શુધ્ધ કરવાનું બીડુ ઝડપનાર વડાપ્રધાન મોદીએ જેટ ગતિએ ગંગાશુધ્ધિકરણનું કામ ઉપાડયું છે. વારાણસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
કાશીના ૮૪ ઘાટ ૧૫ લાખ ‘દીવડા’થી પ્રજવલીત થયા હતા વારાણસીના વિવિધ ઘાટ અને સારનાથમાં ભવ્ય લેઝર શોનું પણ નયનરમ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
વારાણસીની મુલાકાતમાં મોદીએ સૌ પ્રથમ કાશી વિશ્ર્વનાથની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેમણે ૬ લેનના હાઈવેનું લોકાપર્ણ કર્યું હતુ ત્યાંથી રાજઘાટ પ્રસ્થાન કરી તેમણે દેવ દિવાળી નિમિતે દીપ પ્રગટાવી ઉજવણીની ભવ્ય અને દિવ્ય શરૂઆત કરાવી હતી ત્યાંથી વડાપ્રધાન સારનાથની મુલાકાતે પહોચ્યા હતા.