એક કહેવત છે ને કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી…એક દીકરીના જન્મથી લઈને તેનો ઉછેર કરવામાં એક પિતા દિવસ રાત એક કરી દેતા હોય છે અને એક પિતા માટે સૌથી ભારે ઘડી હોય તો તે છે દીકરીના લગ્ન અને વિદાયની ઘડી ત્યારે રાજ્યમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીની ડોલી ઉઠે તે પહેલા જ તેના પિતાની અર્થી ઉઠી હતી. પિતાએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં નવાનગર ઘેડ વિસ્તારમાં પિતાએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. ઇન્દિરા કોલોની મધુવન સોસાયટીમાં દીકરીના લગ્ન હતા. જયારે દીકરીના હાથમાં મહેંદી છે દીકરી પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે અને દીકરીના સુપર હીરો એવા તેના પિતાએ જ મોતને વહાલું કર્યું હતું.
આવતી કાલે મોટી દીકરી મિત્તલના લગ્ન હતાં ત્યારે હજુ દીકરી પરણે તે પહેલા જ પિતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડે આજે વહેલી સવારે પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી . જ્યાં ઘરે ઢોલ અને શરણાઈ વાગવાની હતી ત્યારે હાલ ગમગીની છવાઈ ગઈ છે.
આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. ત્યારે પરિવારને આ મામલે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે નરોત્તમભાઈ ઘરેથી તો નીકળ્યા, પણ પરત ન ફર્યા. નરોતમ ભાઈને આર્થિક સંકડામણ કે અન્ય કોઈ પણ સમસ્યા ન નહોતી. કયા કારણે આપઘાત કર્યો તે કારણ હજુ અકબંધ છે. અગમ્ય કારણોસર મોતને મીઠું વહાલું કરી લેતા પરિણીતાએ ભરથાર ગુમાવ્યો અને સંતાનોના માથેથી બાપનો આશરો છીનવાયો છે.