સ્ત્રી સશક્તિકરણ તરફ સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય
દરેક ક્ષેત્રે સ્ત્રી સશકિતકરણની વાતો થઈ રહી છે. સ્ત્રીઓને પગભર કરી સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા સરકારે ધણી યોજનાઓ બહાર પાડી છે. ત્યારે હવે પેન્શનના નિયમોમાં બદલાવ કરી સરકારે વધુ એક વખત સ્ત્રીઓને ફાયદારૂપ નિર્ણય કર્યો છે. જે મુજબ, હવે, રીસામણે રહેલી દીકરીણ પારિવારિક પેન્શનની હકદાર ગણાશે સાતમાં પે કમિશન અંતર્ગત દીકરીઓને આ લાભ મળશે.
પુરૂષ પ્રધાન આપણા ભારત દેશમાં હાલ, સ્ત્રી સશકિતકરણની ઝુંબેશો પૂરજોશમાં ચાલી તો રહી છે. પણ તેમ છતાં કયાંકને કયાંક સ્ત્રીઓ માટે હજુ પણ અસલામતીનો ભય છે. તો બીજી બાજુ પોતાના પગભર થવા બાબતે પણ ઘણી અડચણો જોવા મળે છે. સ્ત્રીઓએ જીવનનિર્વાહ સહિતની મોટાભાગની સવલતો માટે પુરૂષ એમાં પણ ખાસ કરીને પતિ પર નિર્ભર રહેવું પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં હાલ છૂટાછેડાનાં કેસો પણ વધી રહ્યા છે. ડાઈવોર્સ પછી પતિ તરફથી ભરણપોષણ તો મળતું જ હોય છે. પરંતુ તેમાં ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. ત્યારે હવે આવી પરિસ્થિતિમાં તરછોડાયેલી કે છૂટાછેડા લીધેલા દીકરીને સહાય પહોચાડવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંઘે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, પારિવારિક પેન્શનના નિયમોમાં ફેરફારો કરાયા છે. જેનાથી મૃત કર્મચારીના કુટુંબીજનોને મોટી રાહત મળશે. સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે. દિવંગત કર્મચારીની દીકરી હવે ત્યારે પણ પેન્શનની હકદાર બનશે. જયારે તેના છૂટાછેડા હજુ થયા પણ ન હોય એટલે કે હવે પતિનું ઘર તરછોડયાની સાથે જ તે પિતાના પેન્શનની અધિકારી બની જશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એવો નિયમ હતો કે, છૂટાછેડા લીધેલ દીકરી પેન્શનનો લાભ માત્ર ત્યારે જ ભોગવી શકતી હતી જયારે તેણે પોતાના કર્મચારી માતા અથવા પિતાના જીવનકાળ દરમિયાન છૂટાછેડા જ લીધેલા હોય પરંતુ હવે, આવું જરૂરી રહ્યું નથી. સરકારે તેમાં રાહત પ્રદાન કરી તરછોડાયેલી દીકરીના ભરણપોષણ માટે મહત્વના નિર્ણય લીધો છે અને છૂટાછેડાની અરજી કરતાની સાથે જ તે પેન્શનની અધિકારી બની જશે.
આ સાથે કેન્દ્ર સરકારે દિવ્યાંગ બાળકોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે, પેન્શન ભોગી માતા અથવા પિતાની મૃત્યુ બાદ પણ દિવ્યાંગતા પ્રમાણપત્ર રજૂ કરાશે તો પણ તે માન્ય રહેશે અને આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ બહેનો પેન્શનના અધિકારી બનશે.
ઉલ્લેખનીય છે કે પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન)નિયમ, ૧૯૭૨ અંતર્ગત એક નોડલ વિભાગ છે. જે સરકારી કર્મચારીઓનાં પેન્શન અને સેવાનિવૃત્તિ લાભોથી સંબંધીત નીતિ નિયમો તૈયાર કરે છે.
મહિલા સશક્તિકરણ અને ખાસકરીને દીકરીના આશ્રીત ભાવને સુરક્ષિત કરવાની આપણી કાયદાકીય હિમાયત અને સામાજીક વ્યવસ્થાને અનુરૂપ નિયમમાં જે દીકરી રીસામણે બેઠી હોય તે વાલીના પેન્શનના હકદાર માટે સૌથી વધુ પાત્રતા ધરાવે છે. પેન્શનના હક માટેના આશ્રીતોના નિયમમાં જે દીકરી રીસામણે બેઠી હોય તેનો હક અબાધીત કરવામાં આવ્યો છે. સંતાનોમાં વિકલાંગ અને આજીવીકા માટે અસમર્થ હોય તેવા સંતાનોને પણ પિતાના પેન્શનના હકદાર માનવામાં આવે છે. દીકરી સાસરે વળાવ્યા બાદ તેની જવાબદારી સાસરીયાઓની હોય છે પરંતુ જો સાસરીયામાં મનમેળ ન હોય અને કોઇપણ મહિલા સસુર પક્ષમાંથી તરછોડાયેલી પીયરમાં રીસામણે બેઠી હોય તો આવી પિતાના આશ્રયે રીસામણે બેસેલી દીકરીને પિતાના પેન્શનના હકદાર માનવામાં આવ્યા છે. મહિલા સશકિત કરણ અને ખાસકરીને પારિવારરિક આશ્રીત ધર્મને આ નિયમથી વધુ વિસ્તૃત બનાવાયો છે.
દિવ્યાંગ બાળકોને મળતી પેન્શનની રકમમાં વધારો
કેન્દ્ર સરકારે પેન્શનભોગી દિવ્યાંગ બાળકોને લઈને પણ મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ કર્મચારી માતા અથવા માતાના મૃત્યુ બાદ પણ દિવ્યાંગતા પ્રમાણપત્ર રજૂ કરાશે તોપણ તે માન્ય રહેશે. અને પેન્શનના હકદાર રહેશે. આ સાથે સરકારે દિવ્યાંગ બાળકો કે ભાઈ બહેનોને મળતી પેન્શનની રકમમાં પણ વધારો કર્યો છે. પારિવારિક ભથ્થુ રૂા.૪૫૦૦થી વધારી ૬૭૦૦ રૂપીયા કરી દેવાયું છે. પેન્શન વિતરણ કરનારી તમામ બેંકોને આ માટે દિશા-નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા છે. અને કહેવાયું છે કે બેંક સુધી પહોચવામાં અસમર્થ દિવ્યાંગ લોકોને ઘર સુધી જ પેન્શનની સેવા પહોચાડવામા આવે.