ગેટની પરીક્ષા પાસ કરી કાનપુર આઈ.આઈ.ટી.માં પ્રવેશ મેળવતા પોલીસ કમિશનરે કર્યું સન્માન એરોસ્પેસ એન્જીનિયરિંગમાં ‘આયશા’ ગુજરાતમાં પ્રથમ
અબતક-રાજકોટ
રાજકોટ શહેરમાં રહેતા મૂળ જેતપુરના અને હાલ યુનિવર્સિટી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇકબાલભાઈ મોરવાડિયાની દીકરીએ ફક્ત રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાં ખ્યાતિ મેળવી રાજકોટ પોલીસનું ગૌરવ વધાર્યું છે. જેમાં ઇકબાલભાઈ મોરવાડિયાની પુત્રી આયશાએ એન્જીનિયરિંગના અભ્યાસમાં દેશભરમાં ડંકો વગાડી વિશ્વની ટોચની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે.
રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેઙ.કોન્સ. ઇકબાલભાઇ તૈયબભાઇ મોરવાડીયાના દીકરી આયશાબેન ઇકબાલભાઇ મોરવાડીયા જેઓએ અગાઉ ચેન્નઇમાં એરોટેકનીકલ એન્જીનીયર (બી.ઇ.) નો અભ્યાસ પુરો કર્યો હતો. તેમજ અગાઉ બેઇઝીંગમાં ૩૨ દેશોની સ્પર્ધામાં આયશાબેનએ રોબોટ ડ્રોન બનાવી દેશનુ ગૌરવ વધાર્યુ હતુ. અને હાલ આયશાબેનએ ગેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્નેજ પાસ કરી કાનપુર આઇ.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠીત સંસ્થામાં એરોસ્પેશ એન્જીન્યરીંગમાં માસ્ટર ડીગ્રીમાં રીસર્ચ માટે એડમીશન મેળવવામાં સફળતા મેળવી છે.
આ સિધ્ધી મેળવવામાં તેઓ ગુજરાત ભરમાંથી પ્રથમ છાત્ર છે. આમ આયશાબેનએ તેઓના માતા-પિતા તેમજ સમગ્ર રાજકોટ શહેર પોલીસ પરીવારનુ ગૌરવ વધારેલ હોય તેમજ રાજકોટ શહેર પોલીસ પરિવારના બાળકો પણ દીકરી આયશાબેન માંથી પ્રેરણા મેળવી અલગ-અલગ વિભાગોમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી રાજકોટ શહેર પોલીસના ગૌરવમાં વધારો કરે તેવો એક શુભ સંદેશ પ્રસરે જેથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આયશાબેનની આ સિધ્ધીને ગૌરવની લાગણી સાથે બિરદાવી પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહીત કરી અને ભવિષ્યમાં પણ આજ રીતે ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ તકે હાજર તેઓના માતા પિતાને પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.જે દરમિયાન દીકરી આયશાબેન સાથે તેઓના અભ્યાસ તથા તેમના ધ્યેય બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ચર્ચા કરવામાં આવી જે દરમિયાન આયશાબેનએ કાનપુર આઇ.આઇ.ટી. માં એડમીશન મેળવ્યું હોય અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ પણ કાનપુર આઇ.આઇ.ટી. ખાતેજ અભ્યાસ કર્યો હતો. જેથી ત્યાં કોઇ પણ જરીયાત મદદ જોઇએ તો જણાવવા આયશાબેનને જણાવ્યું હતુ.