રાજસ્થાનમાં સર્જાયેલું અપરએર સાયકલોનીક સરકયુલેશન અને મધ્યપ્રદેશનું લો-પ્રેશર કચ્છ તરફ સરકર્યું: સાંજ સુધીમાં પાકિસ્તાન તરફ ફંટાઈ જશે: રાજયમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
મેઘવિરામ બાદ રાજયભરમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ: આકાશી આફતમાં ભારે તબાહી
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા બે પખવાડીયાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. રાજયમાં પુરપ્રકોપ જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ગુજરાતમાં વધુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જો કે ભારે પવનના કારણે બંને સિસ્ટમો પાકિસ્તાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં હાશકારો અનુભવાય રહ્યો છે. આજે સવારે સર્વત્ર મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છને બાદ કરતા આજે રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. નવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય થાય તેવી શકયતા ન હોય. રાજયમાં આગામી દિવસોમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે.
એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા રાજયમાં ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજયભરની શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે જેટલી ઝડપથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તેનાથી વધુ ઝડપથી બંને સિસ્ટમો ભારે પવનના કારણે પાકિસ્તાન તરફ ફંટાઈ જતા ગુજરાત પરથી જળપ્રલયનો ખતરો ટળ્યો છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં સર્જાયેલું અપરએર સાયકલોનીક સરકયુલેશન અને મધ્યપ્રદેશમાં ઉદભવેલું લો-પ્રેશર ગઈકાલ બપોર બાદ ધીમે-ધીમે વિખરાવવા લાગ્યું છે. આજે આ બંને સિસ્ટમો કચ્છ તરફ ફંટાઈ છે. કચ્છ તરફ આ બંને સિસ્ટમોના હિસાબે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી છે. ત્યારબાદ આ બંને સિસ્ટમો પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. જેના કારણે રાજયમાં હાલ કચ્છને બાદ કરતા હાલ કોઈપણ સ્થળે ભારે કે અતિભારે વરસાદની સંભાવના ખુબ નહિવત છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે.
ગઈકાલે બંને સિસ્ટમો ગુજરાત પર જે રીતે કેન્દ્રીત થઈ હતી તે જોતા એવું લાગી રહ્યું હતું કે જો આ બંને સિસ્ટમો એક સાથે વરસાદ આપશે તો રાજયમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાય જશે. છેલ્લા એક પખવાડીયાથી રાજયમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને છેલ્લે ઉતર ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. ભારેથી અતિભારે વરસાદના કારણે રાજયભરમાં અબજો ‚પિયાની નુકસાની થવા પામી છે. હાલ એનડીઆરએફની ૨૦ થી વધુ ટીમો ઉતર ગુજરાતમાં રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. વરસાદની સિસ્ટમો પાકિસ્તાન તરફ ફંટાતા લોકો સાથે વહિવટી તંત્રએ પણ મોટો હાશકારો અનુભવ્યો હતો.