મુખ્યમંત્રી રૂપાણીએ રૂા.૯.૮૫ કરોડના કામોને આપી મંજૂરી આદિજાતી ખેડૂતો ચોમાસા બાદ પણ પિયત ખેતી કરી શકશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દૂર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા અને કોલક નદીની શાખા-પ્રશાખા પર ૧૧ મોટા ચેકડેમ બાંધવા માટે રૂ. ૯ કરોડ ૮પ લાખની રકમ મંજૂર કરી છે.
વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં ૧૦૦ થી ૧૧૦ ઇંચથી વધુ વરસાદ પડે છે પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવ વાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમૂદ્રમાં વહી નકામું જાય છે.
વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. મુખ્યમંત્રીએ આદિજાતિ ધરતીપુત્રોની આ સમસ્યા નિવારવાના હેતુ સાથે શિયાળા-ઉનાળામાં સિંચાઇ માટે અને પશુ-ઢોરઢાંખરને પીવા માટે પાણીની સર્જાતી ગંભીર મુશ્કેલીઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવ સાથે ૧૧ મોટા ચેકડેમ બાંધવાના નિર્ણયને મંજૂરી આપી છે.
આ ૧૧ ચેકડેમનું નિર્માણ થવાથી ૭૩ મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે તેમજ ૧૯૬ હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ ૧૧ ચેકડેમ બંધાવાને પરિણામે ચોમાસામાં નકામા વહી જતા દમણગંગા અને કોલક નદીના પાણીનો સંગ્રહ થવાથી ભૂર્ગભ જળસ્તર ઊંચા આવશે. એટલું જ નહિ, ચેકડેમના ઉપરવાસમાં સંગ્રહીત થયેલા પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ચોમાસાની ઋતુ પછી પણ આદિજાતિ કિસાનો ઘરઆંગણે શાકભાજી, ફળફૂલ જેવા પાકો પકવીને રોજીરોટી મેળવી શકશે. ઘર વપરાશના પાણીનો પ્રશ્ન પણ આ ચેકડેમના ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીથી હલ થશે અને પાણી ઉપલબ્ધ થતાં પશુપાલન ડેરી વ્યવસાયને વેગ મળશે.
મુખ્યમંત્રીએ રૂા. ૯ કરોડ ૮પ લાખના ખર્ચે જે ૧૧ ચેકડેમ બાંધવાની મંજૂરી આપી છે તેમાં દમણગંગા નદીની શાખા-પ્રશાખા પસાર થતી હોય તેવા દહીખેડ, ધમણગવન, એકલારા-૧, કરચોંડ-૧, કરચોંડ-ર, માલઘર, નરવડ, પેંન્ડર દેવી અને વડોલીમાં તેમજ કોલક નદી પર લવકર-૧ અને લવકર-ર એમ કુલ-૧૧ ચેકડેમ બાંધવામાં આવનાર છે.