પ્રત્યક્ષ નહીં, પણ પરોક્ષ પણે આપણે પ્લાસ્ટિક આરોગીએ જ છીએ !!
વરસાદના પાણીના ટીપા કરતા પણ અનેક ગણા નાના એવા આ વાયરસે દુનિયાભરને બાનમાં લઈ લીધી છે. કોરોનાને કારણે માનવજીવન પર મોટું સંકટ આવી ચૂક્યું છે પરંતુ આ પાછળ જવાબદાર કારણો વિશે ગહન ચર્ચા, વિચાર-વિમર્શ કરીએ તો માનવ જીવન અને માનવ દ્વારા થતી પર્યાવરણ વિરૂધની પ્રવૃત્તિઓ પ્રથમ ક્રમે આવે. કોરોનાને આમંત્રણ શું પરગ્રહવાસીઓએ આપ્યુ છે ?? નહીં, આતો પૃથ્વીવાસીઓ એ જ કરેલા કર્મોનું પરિણામ છે. વિકાસની હોડમાં જંગલોનો વિનાશ, વૃક્ષોનું નિકંદન તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિ ધમધમતી કરવાના પ્રયાસે જ વાતાવરણને પ્રદુષિત કર્યું અને આના પરિણામ સ્વરૂપ જ વાતાવરણમાં રહેલા વાયરસ માનવજીવન પર હાવી થવા સક્રિય બન્યા. વધતા જતા પ્રદૂષણને કારણે લીલા ગ્રહ તરીકે જાણીતી આપણી પૃથ્વી ધૂંધળી બનતી જઈ રહી છે. એમાં પણ વધી જઈ રહેલુ પ્લાસ્ટિકનું પ્રદુષણ ખૂબ ભયાવહ સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં. કારણકે રોજિંદા જીવનના વપરાશમાં વપરાતું પ્લાસ્ટિક આપણે ફેંકી દઈએ છીએ અને તે વાતાવરણમાં ભળી જઈ નુકસાન કરે છે. પ્લાસ્ટિક ક્યારેક સંપૂર્ણપણે નાશ થતું નથી. આથી તેના સૂક્ષ્મ કણો તો રહી જ જાય છે. જે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષપણે આપણા માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને અંતે મોટું નુકસાન પહોંચાડે છે.
આપણે ઝાડ-વૃક્ષો, જંગલો, પશુ-પક્ષીઓ સહિતની તમામ કુદરતી અમૂલ્ય દેનને મહત્વ ન આપી અત્યાર સુધી ખૂબ કનડગત કર્યા છે. અને હવે, આવા વાયરસ તો કયાંક ધરતીકંપ તો કયાંક પૂર વગેરે જેવા કુદરતી આફતોના માધ્યમ થકી આપણે કનડગત થઈ રહ્યા છીએ.