છેલ્લા એક પખવાડિયાથી ખોડિયારપરામાં ૫ લીટર પણ ચોખ્ખું પાણી મળતું ન હોવાની જાગૃતિબેન ડાંગરની ફરિયાદ
શહેરનાં વોર્ડ નં.૧૩માં ખોિડયારપરા વિસ્તારમાં કાળઝાળ ઉનાળામાં પાણીનો પોકાર ઉભો થયો છે. અનેકવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા આ વિસ્તારમાં પોતાની ગ્રાન્ટમાંથી પાણીનાં ટેન્કરો શરૂ કરવાની તૈયારી કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે દર્શાવી છે.
આ અંગે વધુ માહિતી આપતા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં ખોડિયારપરા વિસ્તારમાં છેલ્લા એક પખવાડિયાથી લોકોને પુરુ પાંચ લીટર ચોખ્ખું પાણી મહાપાલિકા દ્વારા આપવામાં આવતું નથી.
આ અંગે અવાર-નવાર રજુઆત કરી હોવા છતાં મેયર સહિતનાં પદાધિકારીઓ માત્ર આશ્વાન આપે છે ત્યારે વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકાને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કાલ સુધીમાં સમસ્યા હલ નહીં થાય તો કોંગી કોર્પોરેટર પોતાને મળતી ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાવશે.