લોકડાઉનમાં માનસિક સ્થિતિને અસર પહોંચે તેવા કિસ્સાઓની ટકાવારી વધીને ર૦ પર પહોંચી
ગુજરાત-સૌરાષ્ટ્રમાં રાજ્યની સાડા છ કરોડની વસ્તિમાં એક અંદાજ પ્રમાણે દોઢ કરોડ જેટલા લોકો સાદા-સુગંધીવાળા – મસાલાવાળા (તમ્બાકુ વગરના) પાન-મસાલા તેમજ તમ્બાકુના પાન, ફાકીવાળા વ્યસનીઓ છે. આ વ્યસનીઓના કારણે તમ્બાકુ, સુગંધી, ચટણી, સોપારી, કપુરી, મીઠી, બનારસી પાન, ગુલકંદ, કિમામ, સાદા પાન-મસાલાના પાઉચ/ડબ્બા વિગેરેના વેપાર ધંધાથી દરરોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ જવા પામ્યું છે.
પાન-મસાલાની દુકાનો, જથ્થાબંધ વેપાર, ડોર સ્ટેપ ડિલીવરી વિગેરે સાથે સંકળાયેલા લાખ્ખો લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ છે. તેની સાથે-સાથે જેમાંથી સરકારને સૌથી ઉંચા દરના જીએસટી મારફત થતી અબજો રૂપિયાની આવક બંધ થઈ ગઈ છે.
પાન-તમ્બાકુના વ્યસનીઓ માટે વ્યસન છોડવા માટે આ ઉત્તમ સમયગાળો ગણાવવામાં આવી રહ્યો છે. પણ તબીબી તજજ્ઞો અને અન્ય અનુભવીઓના મત પ્રમાણે આ વ્યસનને છોડવા માટે અતિ મક્કમ મનોબળની જરૂર છે. હાલની દોડધામવાળી લાઈફ સ્ટાઈલ તથા અન્ય સમસ્યાઓ વચ્ચે તમ્બાકુના વ્યસનીઓને માનસિક રીતે આ વ્યસનથી દૈનિક પ્રવૃત્તિમાં થોડી રાહત મળે છે. તો અનેક લોકો આ વ્યસનના કારણે તેમના પાચનતંત્રની ક્રિયાઓને નિયમિત જાળવી રહ્યાં છે.
આ વ્યસનથી મોઢાના જોખમી અને જીવલેણ રોગ કેન્સર થવાની ભરપૂર શક્યતા છે, તેમજ અન્ય શારીરિક રોગ કે તકલીફ પણ થતા જ હશે. પણ તે નહીં મળવાથી હવે તેમની શારીરિક, માનસિક સ્થિતિમાં અન્ય વિકૃતિઓ, રોગ થવાની શક્યતા વધી રહી છે. ચોક્કસ વયથી વધુ વયના લોકોને આરોગ્ય વિષયક બાબતો ધ્યાનમાં રાખીને ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચોક્કસ સ્થળોએ દારૂની પરમીટ આપવામાં આવે છે. તો કેટલાક વ્યંગકાર-વ્યસનીઓ દ્વારા હાલના લોકડાઉનમાં તમ્બાકુના વ્યસનીઓને પણ તમ્બાકુ ખાવા માટેની ખાસ પરમીટ આપવી જોઈએ તેવી રજૂઆતો થઈ રહી છે. દારૂની પરમીટ ધારકોને જેમ સરકાર દ્વારા માન્ય વાઈન શોપમાંથી નિર્ધારીત માત્રામાં માલ મળે છે તેવી વ્યવસ્થા સરકાર ધારે તો ગોઠવી શકે…!
આપણા સમાજમાં પ્રસંગોમાં સોપારી તથા પાનનો ઉપયોગ દરેક ધાર્મિક વિધિ તથા લગ્નપ્રસંગની વિધિમાં થતો રહ્યો છે તથા મંદિરમાં પણ પાન-સોપારી ધરાવવાનો પણ ઉપયોગ થાય છે. ગુજરાત-સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમ્બાકુ, ઈવન સાદા પાનના વ્યસનીઓ માટે આ ચીજવસ્તુઓ તેમના દૈનિક જીવનમાં આહાર-હવા-પાણીની જેમ અતિ આવશ્યક જરૂરિયાત બની રહી છે અને આ સમૂહ ખૂબ મોટો છે ત્યારે રાજય સરકારે આ દિશામાં યોગ્ય રાહતરૂપ નિર્ણય કરવાની વ્યાપક માંગણી ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે રાજય સરકારે તમ્બાકુની ખેતી કરનારા ખેડૂતોને તમ્બાકુના પાકને યાર્ડમાં વેંચાણ કરવાની મંજૂરી આપી છે…!