કોરોના બાદ વાવાઝોડાનાં કપરાકાળમાં પણ વીજકર્મીઓએ પોતાના જીવના જોખમે ખંતપૂર્વક કામગીરી કરી છે છતા પણ કેમ પોતાના હક્ક પણ તેમને મળતા નથી તેવો પોકાર વીજકર્મીઓ લગાવી રહ્યાં છે. કોરોના મહામારીમાં ફરજ દરમિયાન 7500થી વધુ વીજકર્મીઓ સંક્રમીત થયા છે. તેમાંથી 135 કર્મચારીઓના જીવ પણ ગયા છે છતા વીજકર્મીઓનો હોંસલો બુલંદ રહ્યો છે. બીજી તરફ વાવાઝોડામાં પણ દિવસ-રાત એક કરી વીજકર્મીઓએ સતત દોડધામ કરી છે. આ તમામ બાબતો ધ્યાને લઇને પણ સરકાર વીજકર્મીઓને પોતાના હક્કનાં લાભો આપતી ન હોય ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ મુખ્યમંત્રીને ધગધગતો પત્ર લખ્યો છે.
ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ મુખ્યમંત્રીને જણાવ્યું છે ગુજરાત રાજ્યના વીજ કર્મચારીઓએ ગુજરાત ઉપર અનેક કુદરતી આફતો પુર, વાવાઝોડા હોનારતના સમયમાં ગુજરાતની પ્રજા, ખેડૂતો, ઉદ્યોગોને તાત્કાલિક વીજ પુરવઠો પુન:સ્થાપનની કામગીરી ખૂબ ટૂંકા સમયમાં કરેલ છે. જેનું સમગ્ર ગુજરાત સાક્ષી છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીના સમયમાં અન્ય સરકારના વિભાગોના કર્મચારીઓને કરેલ કામગીરી બદલ કોરોના વોરીયર્સથી સન્માનિત કરી વિશેષ લાભો આપેલ છે. પરંતુ અત્યંત દુ:ખ સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યના વીજ કર્મચારીઓ અને અધિકારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની પ્રજાની અનેક કુદરતી આફતો જેવી કે કંડલાનું વાવાઝોડું, કચ્છનો ભૂકંપ બનાસકાંઠા અને અમરેલીના વિનાશક પુર અને કોરોનાના સમયગાળામાં પણ વીજ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે પણ હોસ્પિટલો અને પ્રજાને અવિરત વીજ પુરવઠો પુરો પાડેલ છે અને તેની સરકાર દ્વારા કોઇ નોંધ જ લેવામાં આવલ નથી અને વીજ કર્મચારીઓને વોરીયર્સ ગણી કોઇ લાભો સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓની તુલનામાં અવાર-નવાર લેખિત રજૂઆતો કરેલ હોવા છતાં આજ દિવસ સુધી મંજુર કરેલ નથી આપેલ નથી જેથી કર્મચારીઓ અને અધિકારીઓમાં ઘેરી નિરાશા અને હતાશા વ્યાપેલ છે.
વિદિત થાય કે આપણે કોરોનાની મહામારી 100 વર્ષમાં પ્રથમ વખત સામનો કરેલ છે જ્યારે વીજ કર્મચારીઓ દર વર્ષે અનેક કુદરતી આફતોમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવી પ્રજાની અવિરત સેવા કરે છે અને કોરોના મહામારીમાં 135થી વધુ કર્મચારી/અધિકારીઓએ પોતાની જીવ ગુમાવેલ છે તેમજ 7500થી વધુ વીજ કર્મચારીઓ પોતાની ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થયેલ છે જે સૂચવે છે કે પ્રજાની સેવા કરતા મહામારીનો ભોગ વીજ કર્મચારીઓ બનેલ છે છતાં પણ તેમને ઉપેક્ષિત કરવામાં આવેલ છે જે ખૂબ દુ:ખદ બાબત છે.
હાલમાં તાઉતે વાવાઝોડાથી ગીર સોમનાથ, અમરેલી, ઉના, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે નુકશાની વીજ નેટવર્ક, સબ-સ્ટેશનોને થયેલ છે અને તે પૂર્વવત કરવા વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દિવસ-રાત જોયા વગર હાલના કોરોના મહામારીનો કોઇ ભય રાખ્યા વગર પ્રજાને ઝડપથી વીજળીની સુવિધા મળે તે સમગ્ર ગુજરાતની ટીમો માટે કાર્યરત થઇ ગયેલ છે જે અમારી પ્રાથમિક ફરજ પ્રત્યે નિષ્ઠા સૂચવે છે અને જે શહેરોમાં વીજનેટવર્કને નુકશાન થયેલ છે. તે તમામ જગ્યાએ તાત્કાલિક વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા અમો પ્રતિબદ્વ છીએ અને ગુજરાતની પ્રજાને દરેક કુદરતી આફતોના સમયે હર હંમેશની જેમ ત્વરિત વીજ સેવાઓ પુન:સ્થાપિત કરવા અમો 24 કલાક કામગીરી કરવા પ્રતિબદ્વ છે અને રહેશે પરંતુ હાલ સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની વીજસંકટની પરિસ્થિતિને સામાન્ય કર્યા બાદ અમો વીજ કર્મચારીઓ/અધિકારીઓ અમારી સાચી માંગણીઓ અન્વયે ન્યાય મેળવવા અને સરકાર તરફથી મંજુર કરેલ તમામ હક્કો અને લાભો મેળવવા તેમજ કંપનીઓના મેનેજમેન્ટમાં સામુહિક હિતોને લગતા રજૂ કરેલ પ્રશ્નો કે લાંબા સમયથી અનિર્ણિત છે જેનું નિરાકરણ કરવા અને કર્મચારીઓને ન્યાય અપાવવા ના છૂટકે લડત અનિવાર્ય બનશે જે અંગે અમારી લાગણી અને માંગણી ધ્યાને લઇ કંપની મેનેજમેન્ટને નીચે જણાવેલ મુદ્ાઓ અન્વયે જરૂરી સુચના આપવા અમારી માંગ છે.
વીજ કર્મચારીઓ/અધિકારીઓને વોરીયર્સ જાહેર કરવા અને સરકાર તરફથી મળતા લાભો આપવા. ફરજ દરમ્યાન કોરોનાથી અવસાન પામેલ વીજ કમર્ચારીઓ/અધિકારીઓને સરકાર તથા મેનેજમેન્ટ દ્વારા જાહેર કરેલ રૂપિયા 25 લાખની સહાય ત્વરિત ચૂકવી આપવા આદેશ કરવા. રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ એલાઉન્સના એરીયર્સની રકમ 01.01.ર016 થી ચૂકવી આપવા અંગે હાલ વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકો કર્મચારીઓ/અધિકારીઓને કાયમી કર્મચારીઓની જેમ જ મળવાપાત્ર મેડીકલ સારવારનો ખર્ચ અને મેડીકલ બીલો મંજુર કરવા.
પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ તેમજ જેટકો અને જીસેક કંપનીઓમાં લાંબા સમયથી પ્રમોશનો, બદલીઓ બાદ નવીન મંજુર કરેલ જગ્યાઓ ભરવામાં આવેલ નથી તે તાત્કાલિક અસર થી પ્રમોશન ભરતીની કાર્યવાહી કરવા. પીજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કમર્ચારીઓના સામુહિક હિતો પ્રશ્નો પ્રત્યે છેલ્લા 1 વર્ષથી ક્રૂર મશ્કરી કરી અંગ્રેજ શાસન કરતા ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરેલ છે જે અંગે અમારી સામુહિક રજુઆત અંગે કોઈ નિર્ણય કરેલ નથી તેમજ એસોસિએશન/યુનિયન દ્વારા કંપની હિતો અને કમર્ચારીઓ ના લાભો માટે કરવામાં આવતી કોઇ રજુઆત ધ્યાને લઈ પ્રત્યુતર આપવા કે નિરાકરણ કરવાની દરકાર કંપનીનું મેનેજમેન્ટ રાખતું નથી જે કંપનીને નુકશાનકર્તા સાબિત થશે. ભૂતકાળમાં જ્યારે અસમાન્ય સંજોગોમાં વીજ કર્મચારીઓ/અધિકારીઓએ બજાવેલ ફરજ માટે ડબલ ડીએ ચુકવવામાં આવેલ હતું જે મુજબ હાલના સમયમાં પણ આદેશ કરવો જરૂરી છે.
આમ, ઉપરોક્ત સાચી હકીકતો અને વાસ્તવિકતા ગુજરાતની સંવેદનશીલ સરકારના મોભી તરીકે ધ્યાને લઈ વીજ કર્મચારીઓને તાત્કાલિક વોરીયર્સ જાહેર કરી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલ તમામ લાભો મંજુર કરવા જરૂરી નિર્દેશ આપવામાં આવે તેવી અમારી લાગણી છે જેથી ગુજરાતની પ્રજાની કોઇ પણ વિપરીત પરીસ્થિતીમાં પણ પોતાના જીવના જોખમે ફરજ બજાવી સેવા કરતા વીજ કર્મચારીઓ/અધિકારીઓનું સન્માન વધશે. જે તેમની કામગીરીમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને આખરે ગુજરાતના વીજ ગ્રાહકોને તેમની ઉત્તમ સેવાઓ આપવા તેમને નવું જોશ અને ઉત્સાહ વધારશે.
તેમજ અમારી ઉપરોક્ત દર્શાવેલ વિવિધ માંગણીઓ અન્વયે મેનેજમેન્ટને અવાર-નવાર સયુંકત લેખિત રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ લાંબા સમયથી આવેલ નથી તે અંગે અમો હાલની સૌરાષ્ટ્રમાં જે વીજ સંકટની પરિસ્થિતિ યથાવત કર્યા પછી જ અમારા સાયા અને ન્યાયિક હક્કો મેળવવા મેનેજમેન્ટની સામે આંદોલન કરવાની ફરજ પડશે તેમ એજીવીકેએસનાં સીનીયર સેક્રેટરી જનરલ બી.એસ.પટેલ અને જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહે જણાવ્યું છે.
વાવાઝોડામાં વીજ કર્મીઓએ પાવર બતાવ્યો, કામગીરી કાબીલેદાદ
રાજકોટ જિલ્લામાં પીજીવીસીએલની 79 ટીમોએ યુધ્ધના ધોરણે 556 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો: 459 ફીડર, 24 કિ.મી. એચ.ટી.લાઈન અને એક ટ્રાન્સફોર્મર બદલવા સહિતની કામગીરી વીજળી વેગે કરી તાઉતે વાવાઝોડું તા.17 ના રાત્રે અને તા. 18ના દિવસે રાજકોટ જિલ્લામાંથી પસાર થતા વીજ પુરવઠાને અનુલક્ષીને થયેલી નુકસાનીને પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિક્ષક ઈજનેર પી.સી. કાલરીયાએ જણાવ્યું છે.રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, જેતપુર, જસદણ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તરામાં પી.જી.વી.સી.એલ.ની 79 સહીત 89 ટીમના 366 લોકો હાલ ફિલ્ડમાં કાર્યરત હોવાનું એક્ઝિક્યુટિવ એન્જીનીયર એચ.બી. રાખોલિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજી ડિવિઝન હેઠળ 13 ટીમના 52 લોકો, જેતપુર ડિવિઝન હેઠળની 15 ટીમના 60 માણસો, ગોંડલ ડિવિઝનની 15 ટીમના 60 કમર્ચારીઓ, જસદણ ડિવિઝન હેઠળની 15 ટીમના 60 તેમજ રાજકોટ ગ્રામ્યના 14 ડિવિઝનની 21 ટીમના 84 લોકો ઉપરાંત એમ.જી.વી.સી.એલ. ની 10 ટીમના 50 કમર્ચારીઓ તેમજ પ્રાઇવેટ કોન્ટ્રાકટરની ટીમ હાલ રાજકોટ જિલ્લામાં વીજ પુરવઠો પુન: સ્થાપિત થાય તે માટે કાર્યરત છે.
વીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે એચ.બી. રાખોલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, બપોરે 1કલાકની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, જસદણ અને રાજકોટ ગ્રામ્ય પંથકમાં 896 ફીડરો પૈકી 459 ફીડરો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ પંથકના 613 ગામોમાં અને 4 શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે પૈકી ચારેય શહેરો ઉપરાંત 556 ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી આપવામાં આવ્યો છે. જે ગામો બાકી છે ત્યાં પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. આ વિસ્તરોમાં 843 વીજ પોલને નુકસાન થયું છે, જેને બદલવાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવી છે. હાલ 42 પોલ રીસ્ટોર કરવામાં આવ્યા છે. જ્યારે હાઈટેન્સન લાઈન 24.68 કી.મી. પૂર્વવત જોડી દેવામાં આવી છે અને 7.36 કી.મી. લો-ટેન્સન લાઈનમાં નુકસાની થવા પામેલ છે, જે બદલવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 28 જેટલા ટ્રાન્સફોર્મર્સને નુકસાન થતા તેને બદલવાની કામગીરી તેમજ ખેતીવાડી ફીડરોમાં નુકશાનીના સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું એકઝીકયુટીવ એન્જીનીયરે જણાવ્યું છે.
રાખોલિયાએ જણાવ્યું છે કે, હજુ અનેક જગ્યાએ વૃક્ષો વીજ તાર સાથે જોડાયેલા હોઈ વીજ લાઈન તેમજ પોલ બદલવાની કામગીરી કેટલાક સ્થળોએ ધીમે ચાલી રહી છે. વાવાઝોડાને કારણે સમગ્ર પંથકમાં આશરે રૂપિયા દોઢ (1.50) કરોડનું નુકસાન થયાનું સર્વેમાં જાણવા મળ્યું છે. છે.જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર વાવાઝોડા દરમ્યાન જનરેટર બેકઅપના કારણે એક પણ હોસ્પિટલમાં વીજપુરવઠો અટકવા પામ્યો ન હતો. હાલ રાજકોટ જિલ્લામાં તમામ હોસ્પિટલ્સ અને ઓક્સિજન પ્લાન્ટમાં વીજપુરવઠો 100 ટકા કાર્યરત છે, તેમ એન્જીનીયર રાખોલીયાએ સમગ્ર ટીમની 24 કલાકની સતત કામગીરી થકી જ આ શક્ય બન્યાનું જણાવ્યું છે.