સોને પે સુહાગા
છેલ્લા કેટલાક દિવસથી ક્રુડના ભાવમાં ઘટાડાના પગલે ઈંધણમાં રાહતની અપેક્ષા: રૂપિયામાં પેમેન્ટ કરવાનું થાય તો ભારતીય અર્થતંત્રને ખુબજ રાહત થઈ શકે
ક્રુડ ઓઈલની ખરીદીમાં હવે ભારત ડોલરના ચૂકવણાનું મોહતાજ નહીં રહે. ઈરાન હવેથી ક્રુડનું પેમેન્ટ રૂપિયામાં સ્વીકારશે. પરિણામે ભારતને ક્રુડની ખરીદી સરળ અને સસ્તી પડશે. તાજેતરમાં અમેરિકાએ ઈરાન પર આકરા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી હતી. જો કે, ઓઈલની ખરીદીમાં ભારત, ચીન, ગ્રીસ, ઈટાલી, સાઉથ કોરીયા, જાપાન, તાઈવાન અને તુર્કી સહિતના દેશોને કેટલીક છૂટછાટ અપાઈ હતી.
ભારત વિશ્ર્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ ઈંધણ વાપરતો દેશ છે. ભારત ૮૦ ટકા ઓઈલની આયાત કરે છે. ઈરાન પાસેથી ઓઈલ ખરીદનાર બીજા ક્રમનો સૌથી મોટો દેશ પણ ભારત છે. ઈરાક અને સાઉદી અરેબીયા બાદ સૌથી વધુ પ્રમાણમાં ઓઈલ ભારત ઈરાન પાસેથી ખરીદે છે. પરિણામે ભારતને જો રૂપિયામાં પેમેન્ટ કરવાનું થાય તો અર્થતંત્રને ખૂબજ ફાયદો થઈ શકે છે.
ક્રુડના ભાવમાં છેલ્લા થોડા દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા ઈરાન ઉપર કડક પ્રતિબંધ લગાવશે તેવી ભીતિએ ક્રુડ ઓઈલના ભાવ સતત વધી રહ્યાં હતા. આંકડાનુસાર ગઈકાલે ક્રુડ ઓઈલના બેર દીઠ ભાવ ૬૩.૧૦ ડોલર સુધી પહોંચી ગયા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટા કડાકા પૈકીનો એક છે. ક્રુડના ભાવ ૪ ટકા સુધી લપસી ગયા છે.
ક્રુડના ભાવમાં ઘટાડાના પગલે ભારતમાં પણ ઈંધણના ભાવ ઘટશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. ઈરાન પરના પ્રતિબંધો થોપ્યા બાદ કેટલાક દેશોને વ્યવહારોમાં છૂટછાટ મળી છે જે એશિયન બજાર માટે શકારાત્મક સંકેતો બતાવી રહ્યાં છે. ચીન બાદ ભારત સૌથી વધુ ક્રુડ ઈરાન પાસેથી ખરીદે છે. અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ખરીદવામાં ચીન, ભારત, કોરીયા, તાઈવાન જેવા એશિયન દેશોને છૂટછાટ આપી છે. પરિણામે એશિયન બજારમાં પોઝીટીવ માહોલ જોવા મળશે તેવી ધારણા છે.
ભારતને ડોલરના સ્થાને રૂપિયામાં ચૂકવણું કરવાની છૂટ મળવા જઈ રહી છે ત્યારે આ માટે યુકો સહિતની બેંકો મધ્યસ્થ બને તેવી ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ ભારતને ઓઈલનું ચૂકવણુ ડોલરના સ્થાને રૂપિયામાં કરવાનું થાય તેવો તખ્તો તૈયાર થયો હતો. પરંતુ નિષ્ફળતા મળી હતી. હવે આ માટેના પ્રયાસોને પોઝીટીવ સંકેત મળ્યા છે.