કોળી જૂથે બઘડાટી બોલાવી સોડા બોટલો ફોડી: ચૂસ્ત બંદોબસ્ત
જામનગરના ભોઈવાડામાં ગઈરાત્રે કોળી જૂથના કેટલાક શખ્સોએ ભારે શોર-શરાબા વચ્ચે ધસી જઈ સોડા બોટલોના છૂટા ઘા કરી બઘડાટી બોલાવી દીધી હતી. આ વેળાએ શું થયું છે તે જોવા નીકળેલા એક મહિલાની આંખને ઈજા કરી સોડાની બોટલ પસાર થઈ ગઈ હતી. આ શખ્સોના આતંકથી ભયભીત લોકોના પાંચેક જેટલા વાહનો, સાયકલોને નુકસાની સર્જી ટોળું પલાયન થઈ ગયું હતું. બનાવની જાણ થતા દોડેલા પોલીસ કાફલાએ સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે ઈજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આરંભી છે. હોળીની રાત્રે શરૃ થયેલી આ બબાલનો અંત આવી રહ્યો નથી ત્યારે વધુ એક બનાવે આ વિસ્તારના શાંતિપ્રિય નાગરિકોના શ્વાસ અધ્ધર ચડાવ્યા છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈવાડાની અંદરના ભાગના કોળીવાડમાં ગઈ તા.૧ની માર્ચની રાત્રે ભોઈ તથા કોળી જૂથો વચ્ચે બઘડાટી બોલ્યા પછી સામસામી ફરિયાદ થઈ હતી તે પછી વેરના વવાયેલા આ બીજ ધીમે ધીમે વધુને વધુ કંટકો ઉગાવી રહ્યા છે ત્યારે ગઈરાત્રે વધુ એક બનાવ બનવા પામ્યો છે જેણે પોલીસને દોડતી કરવાની સાથે લોકોના શ્વાસ અધ્ધર ચડાવ્યા છે.
ગઈકાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ભોઈવાડામાં આવેલી સિદ્ધનાથ ફળીની શેરી નં.રમાં રહેતા અને હોમગાર્ડઝમાં ફરજ બજાવતા અતુલભાઈ ભીમજીભાઈ ગોંડલિયા (ઉ.વ.૪૪) અને તેમના પત્ની ગાયત્રીબેન તેમજ અન્ય પરિવારજનો સૂવાની તૈયારી કરતા હતા ત્યારે અચાનક જ તેઓની શેરીમાં ઘૂસી આવેલા ચાલીસેક શખ્સોના એક ટોળાએ ભારે હો-હલ્લા વચ્ચે સોડા બોટલના છૂટા ઘા કરવાનું શરૃ કર્યું હતું, કાચ ફૂટવાના આવેલા અવાજથી ચોંકી ગયેલા ગાયત્રીબેન શું થયું છે તે જોવા માટે બહાર નીકળતા અચાનક જ હવામાંથી ઉડતી આવેલી એક સોડા બોટલ તેઓની ડાબી આંખમાં ટકરાતા આ મહિલાને આંખની કીકીના ભાગમાં ગંભીર ઈજા થવા પામી છે.
રાત્રિના સમયે બનેલા આ બનાવથી ડઘાયેલા લત્તાવાસીઓએ બહાર નીકળવાનું ટાળ્યું હતું, પરંતુ તે શેરીમાં ઘૂસી આવેલા કોળી જૂથના શખ્સોએ ગાળો બોલી આડેધડ રીતે કાચની બોટલોના ઘા કરી અગાઉના ઝઘડાનો ખાર વ્યક્ત કર્યો હતો. આ ટોળાએ તે શેરીમાં પડેલી બે ઓટો રિક્ષા તથા એક માલવાહક રિક્ષા અને કેટલીક સાયકલ તેમજ મોટરસાયકલ પર ગુસ્સો વ્યક્ત કરી તેમાં નુકસાની સર્જી હતી, અંદાજે અડધી કલાક સુધી ઉપરોક્ત હો-હલ્લા પછી ટોળું ગુમ થઈ ગયું હતું.
આ બનાવની પોલીસને જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડયો હતો. પોલીસે તે વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી ઈજાગ્રસ્ત ગાયત્રીબેનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. આ બનાવના પગલે ભોઈવાડા તથા કોળીવાડમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ઈજાગ્રસ્તની મોડીરાત્રે જી.જી. હોસ્પિટલમાં હાજર તબીબોએ સારવાર શરૃ કરી હતી તે દરમ્યાન ગાયત્રીબેનના પતિ અતુલભાઈ ગોંડલિયાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવની વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અગાઉના ઝઘડાનો ખાર રાખી ગઈરાત્રે કોળીવાડમાં રહેતા મહેશ ઉર્ફે મુનિયા કોળી, સતિષ ઉર્ફે સતિયા કોળી, સુનિલ કોળી, જયકિશન ઉર્ફે જેકી, અમિત કોળી, વિશાલ કોળી, આકાશ કોળી, પરેશ, લાલો, મુકલો કોળી, પ્રવિણ ઉર્ફે પપલો, સંજય ગુજરાતી, કાના કોળીનો છોકરો તેમજ બીજા પંદરથી વીસ અજાણ્યા શખ્સોએ ધસી આવ્યા હતા. તેઓએ મનુષ્યવધના ઈરાદાથી અતુલભાઈના પત્નીને સોડા બોટલ છૂટી મારી ગંભીર ઈજા પહોંચાડી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૩૨૬, ૩૦૮, ૩૩૮, ૧૪૩, ૧૪૭, ૧૪૯ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૃ કરી છે.