અનુબંધ ફાઉન્ડેશન તેમજ રીઝવાન આડતિયા ફાઉન્ડેશન આયોજીત જીવનસાથી પસંદગી મેળામાં મોટી સંખ્યામાં ડિવોર્સી, વિધવા-વિધુર તથા દાદા-દાદી ઉપસ્થિત રહ્યા
અનુબંધ ફાઉન્ડેશન અને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે મોરીસ બેન્કવેટ હોલ ખાતે કુવારા, ડિવોસી, વિધવા, વિધુર તથા દાદા-દાદી માટે નિ:શુલ્ક જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનસાથી પસંદગી મેળામાં બહોળી સંખ્યામાં ડિવોસી, વિધવા, વિધુર તથા દાદા-દાદી ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન અનુબંધ ફાઉન્ડેશનનાં પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે રાજકોટ ખાતે અમારું ૫૮મું સ્નેહમિલન યોજાયું છે. ઓલ ઈન્ડિયામાં ૫૦થી વધુ ઉંમરનાં દાદા-દાદી કે જેઓ એકલતા અનુભવતા હોય તેના માટે અમે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરીએ છીએ. આજકાલ છોકરાઓ પાસે માતા-પિતાની કેર કરવા માટેનો સમય નથી ત્યારે તેમને એક લાઈફ પાર્ટનર, હમ સફર જોઈએ તેને અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ. આજકાલ વૃદ્ધો કોને કહે છે કે મારે પ્રેમ કરવો, લગ્ન કરવા છે. તેમને યોગ્ય સાથીદાર મળે તે માટે ફ્રિ ઓફ કોસ્ટ પસંદગી મેળાનું આયોજન કર્યું છે. આખા ભારતમાંથી લોકો આવે છે. અત્યાર સુધીમાં ૫૪ જેટલા લગ્ન કરાવી ચુકયા છીએ. ૫૧ થી ૯૦ વર્ષનાં ઉમેદવારો આવે છે. મોરીસ બેન્કવેટ હોલ ખાતે ૫૦૦ થી વધુ ઉમેદવારી આવ્યા હતા પણ કેપેસીટી મુજબ ૨૦૦ પુરુષ અને ૫૦ મહિલાઓને એન્ટ્રી આપી છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન નાસીકથી આવેલ ભારતીબેને જણાવ્યું હતું કે, હું રાજકોટ ખાતે જીવનસાથી પરિચય મેળામાં પ્રથમ વખત આવી છું. હું મારા ૧૭ વર્ષનાં છોકરા સાથે રહું છું. હું ઘણી એકલતા અનુભવી રહી છું તેથી આ જીવનસાથી પરિચય મેળામાં આવી છે. મને આવીને ખુબ જ સારું લાગ્યું કે આ સંસ્થા દ્વારા આટલી સારી રીતે કાર્ય કરવામાં આવે છે. આજકાલ સિનિયર સીટીઝનને કોઈ પુછતું નથી ત્યારે અહીંયા આટલા બધા લોકો ઉપસ્થિત રહ્યા. હું પ્રથમ વખત જોવા માટે આવી છું પણ જો મને પણ જીવનસાથી મળી જાય તો હું મારી એકલતા દુર કરી નવી જીંદગી શરૂ કરી શકું.
અબતક સાથેની વાતચીત દરમિયાન બરોડાથી આવેલ શોભનાબેન શાહે જણાવ્યું હતું કે, હું આજે રાજકોટ ખાતે જીવનસાથી પરિચય મેળામાં આવી છું. અહીંયા ખુબ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘણા બધા ઉમેદવારો આવ્યા છે. આ આયોજન સિનિયર સીટીઝન માટે જ કરવામાં આવ્યું છે. હું આ પરિચય મેળામાં ત્રીજી વખત આવી છું.