રાષ્ટ્રીય રાજકારણમાં હંમેશા કેન્દ્રબિંદુમાં રહેવાની મહારાષ્ટ્રની તાસીર આઝાદી પૂર્વેથી આજ પર્યત અંકબંધ, રાજકીય સામાજીક ક્રાંતિ અને નવી પહેલની ઉદ્ગમ હંમેશા મહારાષ્ટ્રથી જ શરૂ થાય છે
ભારત લોકતંત્ર હવે પરિપકવ બની ચુક્યું છે પણ લોકતંત્રની મૂળભૂત તાસીરમાં આજે પણ અગાઉની જેમ જ મહારાષ્ટ્રના રાજકારણનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આઝાદી હોય કે બ્રિટિશકાળ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રનું રાજકારણ એક આગવી ભાત પાડનારું અને ક્રાંતિકારી મિજાજ માટે ઇતિહાસમાં અનેક વાર નોંધ પામ્યો છે.
મહારાષ્ટ્રની સ્થાનિક રાજકારણ હવે વિધાનસભાની સાથેસાથે લોકસભાની ચુંટણીમાં કેવા સમીકરણો સર્જશે તેના પર દેશભરના રાજકારણની મીટ મંડાઇ છે.
આઝાદી કાળથી મહારાષ્ટ્ર ક્રાંતિકારી વિચારધારાનો ઉદેશ ગણાય છે. અંગ્રેજો સામે લોક આંદોલનની વાત હોય કે દેશને આઝાદી મળ્યા પછી રાજનીતીને ધરમૂળમાંથી ફેરવાની વાત હોય, મહારાષ્ટ્ર અનેક વાર પરિવર્તનનું નિમિત બન્યું. કોંગ્રેસના બદલાથી લઇ દેશમાં નવા પ્રવાહો ઉભા કરનાર લોકનેતાઓમાં મોરારજીભાઇ દેસાઇ, ઇન્દિરા ગાંધી, શરદ પવાર અને બાલ ઠાકરેથી લઇ અનેક રાજકીય વિભૂતિઓએ સામા પૂરે ચાલીને મહારાષ્ટ્રની રાજનીતીને એક અલગ ઓળખ આપી હતી.
બાલ ઠાકરેએ 1968માં શિવસેનાની રચના કરીને દેરમાં સૌ પ્રથમવાર હિન્દુ વિચાર ધારાની નવી પહેલ કરી હતી ત્યાર પછી હિન્દુત્વની લહેર પર સવાર થઇને ભાજપ અત્યારે દેશમાં સર્વે સર્વા બન્યું છે તેના મૂળમાં બાલ ઠાકરેની પહેલ ગણાય. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસનો ઉદય થયો હતો. અત્યારની પરિસ્થિતિ જોવા જોઇએ તો મહારાષ્ટ્રની બાગડોર સંભાળનાર અને બાલ ઠાકરેના સિધ્ધા વારસદાર ઉદ્વવ ઠાકરેની સરકાર આગામી દિવસોમાં કેવી મજબૂત બની રહેશે તે સવાલ ઉભો થયો છે. મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના, ભાજપ, એન.સી.પી.ના અલગ-અલગ ઉભા થયેલાં ચોકા દેશના રાજકારણમાં પણ અસરકારક પરિમાણ ઉભા કરે તેવું દેખાઇ રહ્યું છે.
શિવસેનાની જ્યાં સુધી વાત કરીએ તો બાલ ઠાકરેના હિન્દુવાદના બળથી શિવસેનાએ ઉભા કરેલા દબદબાના દિવસો હવે લાંબો સમય ચાલશે કે કેમ ?
ઉદ્વવ ઠાકરે સરકાર રચવામાં સફળ થયાં પણ પિતાની જેમ એક રંગ રાખવામાં ક્યાંકને ક્યાંક ઉણા ઉતર્યા છે. ભાજપ સાથે વર્ષોની વફાદારીને વધુ મજબૂત બનાવવાને બદલે ઉદ્વવે ક્યાંકને ક્યાંક ચૂંક ખાધી હોય તેમ ભાજપે પણ શિવસેનાના જૂના સાથની ગરીમા જાણવીને અનેક વખત સંબંધો સુધારવાની તક આપી પણ હવે સેના આત્મવિશ્ર્વાસના અતિરેકથી ભાજપ સાથે તાલમેલ જાળવી શકી નથી. સેના અને ભાજપ વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે એન.સી.પી. અને કોંગ્રેસ પણ પોતાની સેફ સાઇડ જોવા લાગી છે, શરદ પવારને પણ હવે મહારાષ્ટ્રની મમત લાગી હોય તેમ એન.સી.પી.એ અલગ ચોકો ઉભો કર્યો છે.
ભાજપ અને કોંગ્રેસ માટે એન.સી.પી. શિવસેના સામે વિકલ્પ બની શકે તેમ છે પરંતુ શરદ પવારે આજે એવુ નિવેદન આપ્યું કે પોતે રાષ્ટ્રપતિની રેસમાં નથી. આ સંદેશો ભાજપ માટે પરોક્ષ રીતે પવારે આપી દીધો છે. એન.સી.પી. ભાજપ ભેગા થાય તો શરદ પવાર માટે રાષ્ટ્રપતિ પદનો સિરપાવ આપવાની ભાજપની પરોક્ષ તૈયારી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ મહારાષ્ટ્રમાં એકલે હાથે ચુંટણી લડી લેવાની જાહેરાત કરી, એન.સી.પી અને કોંગ્રેસ કે આપના ગઠબંધનનો છેદ ઉડાડી દીધો છે, હવે શિવસેના ભાજપ સાથે બેસી શકે તેમ નથી. તાજેતરમાં જ કેન્દ્રીય મંડળના વિસ્તરણ પૂર્વે ભાજપે સેનાને સાચવી લેવાનો સંકેત આપ્યો હતો પણ તેના અક્કડ વલણમાં કંઇક ફેરફાર થયો ન હતો.
હવે ભાજપે આપેલી તક સેનાથી ચુંકાઇ ગઇ છે અને ભાજપ હવે તેના માટે સોફ્ટ કોર્નર ન રાખે તો જ નવાઇ નહીં થાય. સેના સાથેના સંબંધો સુધરે તે માટે ફડણવીશથી લઇ નરેન્દ્ર મોદી સુધીના નેતાઓએ પ્રયાસ કર્યા હતાં પરંતુ શિવસેનાએ રસી બળે પણ વણ ન છોડે તેવું વલણ અપનાવતા હવે સેના સાથે કોઇ નથી અને આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે લડવા માંગે છે ત્યારે મહારાષ્ટ્રમાં ઉભા થયેલાં ચારેય પક્ષના અલગ-અલગ ચોકા દેશના રાજકારણમાં બદલાવ તો લાવશે જ પણ મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારનું અસ્તિત્વ ભૂસાઇ જાય તેવી પરિસ્થિતિ ઉભી કરનારી બને તેવું દેખાઇ રહ્યું છે.