ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને આડે હાથ લીધુ

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી : ભારત

અબતક, નવી દિલ્હી : લઘુમતીઓનું હનન કરતું પાક સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકારોના પાઠ ભણાવવા નીકળ્યું હતું. જો કે આ વેળાએ ભારતે પાકને બરાબર ખખડાવ્યું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન પર આકરા પ્રહારો કર્યા છે. કાશ્મીર અંગે ભારતે કહ્યું છે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી.

કાશ્મીર પર પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા સતત વાહિયાત નિવેદનો આપ્યા બાદ ભારતે કટાક્ષ કર્યો છે. ભારતે કહ્યું છે કે કાઉન્સિલ જાણે છે કે પાકિસ્તાનમાં છડેચોક માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે અને તે ભારતના પ્રદેશ પર કબજો કરી રહ્યું છે. લઘુમતીઓનું રક્ષણ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને અહમદિયા જેવા સમુદાય પ્રત્યે પાકિસ્તાનનું વલણ દુનિયાથી છુપાયેલું નથી. પાકિસ્તાનમાં શું ખોટું થઈ રહ્યું છે તેવો પ્રશ્ન કરવા માટે પણ પત્રકારો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

UNHRC ની 48 મી બેઠકમાં ભારતે કહ્યું છે કે દુનિયા આખી પાકિસ્તાનને આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવા, તેમને તાલીમ, નાણાંની મદદ કરનાર તરીકે જાણે છે. પાકિસ્તાન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના ફોરમનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા અને પાયા વિહોણો દુષ્પ્રચાર ફેલાવવા માટે કરે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિશ્વમાં આતંકવાદનું કેન્દ્ર ધરાવતા પાકિસ્તાન જેવા નિષ્ફળ દેશ પાસેથી ભારતને કોઈ પાઠની જરૂર નથી.

ભારત તરફથી કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા આપવામાં આવેલા નિવેદનને ફગાવી દેતા કહેવામાં આવ્યું છે કે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન પોતાના એજન્ડા માટે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનનો ઉપયોગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સભ્ય દેશોએ નક્કી કરવું જોઈએ કે તેઓ પાકિસ્તાનને આમ કરવા નહી દે.

આંતકવાદ અને માનવવાદનો ભેદ કરવો તાલિબાનની તાતી જરૂરિયાત

તાલીબાને અફઘાનિસ્તાનમાં પોતાનું સાશન સ્થાપ્યું ત્યારથી લઇને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન ન આપવાનું અનેક વાર જાહેર કર્યું છે. પણ પોતાની આ જાહેરાતનો અમલ કરવામાં અફઘાનિસ્તાન હજુ ખરું ઉતર્યું નથી. સાશન સ્થપાયાથી અત્યાર સુધીમાં તાલિબાને આંતરિક આંતક ફેલાવ્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. પણ હવે તાલિબાનને ખબર પડી છે કે વૈશ્વિક માન્યતા માટે તેને સુસાશન સ્થાપવું જ પડશે. આમ તાલિબાને હવેઆંતકવાદ અને માનવવાદનો ભેદ કરવાની તાતી જરૂરિયાત છે.

અફઘાનના રૂ. 7 લાખ કરોડ અમેરિકાએ “ડીપ ફ્રીઝ”માં મૂકી દીધા

તાલિબાનના હાથમાં સાશન આવી જતા અફઘાનિસ્તાનના રૂ. 7 લાખ કરોડ અમેરિકાએ ડીપ ફ્રીઝ કરી રાખ્યા છે. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડ સપ્લાય પણ અટકાવી દીધી છે ફેડરલ રિઝર્વ અને અન્ય અમેરિકી બેંકો દ્વારા પ્રતિબંધિત રોકડ અનામતને તાલિબાનના હાથમાં જતા અટકાવવા માટે યુએસ ટ્રેઝરીએ આ પગલાં લીધા હતા. બિડેન એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમેરિકામાં અફઘાન સરકારની સેન્ટ્રલ બેંકની કોઈ પણ સંપત્તિ તાલિબાનને ઉપલબ્ધ થશે નહીં. જો કે આ ફ્રીઝ કરેલા નાણાં તાલિબાન સરકારને પરત કરવા માટે અમેરિકા તૈયાર છે. પણ પહેલા તાલીબાન સુશાસન સ્થાપે અને પોતે આતંકવાદ ન ફેલાવવાનો વિશ્વાસ આપે પછી જ આ નાણાં તેને પરત આપશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.