કોવિડ-19ના દર્દીઓના માત્ર પ્રાણવાયુના અભાવે અને પ્રાણવાયુનો પુરતો જથ્થો ન પુરો પાડવાના કારણે થતાં મૃત્યુ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે તંત્ર અને જવાબદારોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે જણાવ્યું હતું કે, તંત્રની ગેસ ન પહોંચાડવાનું કૃત્ય જઘન્ય અપરાધ ગણાય.
અલ્હાબાદની હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અમને બહુ જ દુ:ખ એ વાત જાણીને થયું કે, કોરોના દર્દીઓનું મૃત્યુ માત્રને માત્ર હોસ્પિટલમાં સમયસર પ્રાણવાયુ ન પહોંચવાના કારણે થયા છે. જેનાથી પણ આ કૃત્ય થયું છે તે જઘન્ય અપરાધ નરસંહારથી જરાપણ કમ નથી. પ્રવાહી ઓક્સિજનની સાકળ અતુટ રીતે જાળવી રાખવાની નિષ્ફળતા એ બહુ મોટો ગુનો છે.
ન્યાયમૂર્તિ સિધ્ધાર્થ વર્મા અને અજીત કુમારે ટીપ્પણી કરી હતી કે, લોકચર્ચા અને સોશિયલ મીડિયા પર કોરોના દર્દીઓના મૃત્યુ ઓક્સિજનના અભાવે મેરઠ અને લખનૌમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. અદાલતની સંયુક્ત ખંડપીઠે એ વાતની નોંધ લીધી કે, લોકો ઓક્સિજનના બાટલા અને પોતાના સ્વજનો પર જીવન બચાવવા માટે જે રીતે હવાતીયા મારી રહ્યાં છે તે તંત્ર અને પોલીસ માટે ખુબજ શરમજનક બાબત ગણાય. આપણે આપણા નાગરિકોને મરવા કેમ મુકી દેવાય જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી આગળ છે કે, હવે તો હૃદય પ્રર્ત્યાપણ અને મગજનું ઓપરેશન આ દિવસોમાં શક્ય બન્યું છે. ઓક્સિજનના અભાવે કોવિડ દર્દીઓના મૃત્યુના આ સમાચાર દેશની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપે છે. બીજી તરફ સરકાર એવો દાવો કરે છે કે, ઓક્સિજનનો પુરવઠો પુરતો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે આથી જ લખનૌ અને મેરઠના કલેકટરોને આ મુદ્દે 48 કલાકમાં તપાસ કરીને અહેવાલ દાખલ કરવા જણાવાયું છે. સામાન્ય રીતે અમે કોઈ રાજ્ય કે વહીવટી તંત્રને દિશા નિર્દેશ આપતા નથી પરંતુ સોશિયલ મીડિયા અને સમાચારોમાં ઓક્સિજનના અભાવે દર્દીના મૃત્યુ થાય એ ગંભીર બાબત છે.
અદાલતે આ સમાચાર આઈસીયુમાં કોવિડ દર્દીઓના મૃત્યુના સમાચારે ભારે વ્યથા આપી છે.કોર્ટે વકીલાતના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ઉત્સવ મિશ્રા દ્વારા રેમેડીસીવીર ઈંજેકશન અને ઓક્સિજન સીલીન્ડર અંગે જે સુચનો કર્યા હતા તેની પણ નોંધ લીધી હતી અને તાકીદ કરી હતી કે, ઈંજેકશન અને દવા પોલીસ દ્વારા જપ્ત કરીને જરૂરિયાતવાળા સુધી ન પહોંચે તેવી પરિસ્થિતિ ઉભી ન કરવી જોઈએ. એવી જ રીતે ઓક્સિજનનો પુરવઠો દરેક હોસ્પિટલને મળી રહેવો જોઈએ અને કોઈ દર્દીનું મૃત્યુ ન થવું જોઈએ. કર્ણાટક હાઈકોર્ટે પણ મે 4 ના દિવસે 24 વ્યક્તિઓના મૃત્યુ ઓક્સિજનના અભાવે થઈ હોવાની વાતને ગંભીર ગણી અદાલતને જણાવ્યું હતું કે, જો હોસ્પિટલોને પુરતો પ્રાણવાયુ નહીં પુરો પાડો તો હવે ન્યાયતંત્ર કસુરવારોના પ્રાણવાયુ ખેંચાઈ જાય તેવા આકરા પગલા ભરશે.