લાઇફ કેર હોસ્પિટલના કહેવાતા તબીબ સામે નાયબ આરોગ્ય અધિકારીએ નોંધાવી ફરિયાદ
કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર હોસ્પિટલના તબીબ બોગસ ડીગ્રીના આધારે પ્રેકટીશ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારીએ લાઇફ કેર હોસ્પિટલના કહેવાતા ડોકટર શ્યામ રાજાણી સામે બોગસ ડીગ્રીનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શ્યામ રાજાણી અને તેની પત્ની વચ્ચે મતભેદ થતાં હોસ્પિટલના કર્મચારી મયુર મોરીની ચડામણીના કારણે બંનેના છુટાછેડા થયાની શંકા સાથે માર માર્યાની અને અપહરણ કર્યાની લાઇફ કેર હોસ્પિટલના શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાતા વિવાદમાં આવેલા શ્યામ રાજાણી સામે એક પછી એક પોલીસ ફરિયાદ અને વિવાદમાં ફસાવવાનું શરૂ થયુ છે.
મયુર મોરીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાયા બાદ તેને પોલીસે કચ્છમાંથી શોધી કાઢયા બાદ લાઇફ કેર હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવતા અનઅધિકૃત રીતે દવાનો જથ્થો છળકપટથી મેળવ્યા અંગેનો શ્યામ રાજાણી સામે ગુનો નોંધાયા બાદ તેની તબીબની ડીગ્રી અંગે કરાયેલી તપાસમાં બોગસ હોવાનું બહાર આવતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.મનિષ બાબુલાલ ચુનારાએ શ્યામ રાજાણી સામે બોગસ ડીગ્રીનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.