દહેજ લાલચુ સાસરીયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી‘તી
રાજકોટના ત્રંબા નજીક વડાળી ગામના મુળ પરિણીતાએ ભાવનગર પતિ-સાસુના ત્રાસથી ઘરે તા.૧૧મી ફેબ્રુઆરીના ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે આપઘાત કરવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક ત્રંબાના વડાળી ગામે માવતર ધરાવતા અને લગ્ન બાદ ભાવનગર રહેતા ગાયત્રીબા બલભદ્રસિંહ ગોહિલ નામના પરિણીતાએ પતિ બળભદ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ, સાસુ ઈન્દ્રાબા અને નણંદ ભાવનાબાના ત્રાસથી તા.૧૧મી ફેબ્રુઆરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગર પોલીસે મૃતક ગાયત્રીબાના ભાઈ રાજદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ગાયત્રીબાના પતિ બળભદ્રસિંહ, સાસુ ઈન્દ્રાબા અને નણંદ ભાવનાબા સામે આપઘાતની ફરજ પડાવાનો ગુનો નોંઘ્યો છે. ત્રંબાના ગાયત્રીબાના લગ્ન ૨૦૧૦માં ભાવનગર બળભદ્રસિંહ સાથે થયા હતા. ગાયત્રીબાને સંતાનમાં એક પુત્ર છે. ગાયત્રીબા પતિ, સાસુ, જેઠ-જેઠાણી તેની બે દિકરીઓ સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતા.
લગ્નના એક મહિના બાદ જ પતિ બળભદ્રસિંહ, સાસુ ઈન્દ્રાબા અને નણંદ ભાવનાબાએ કરિયાવર બાબતે મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું સાથે પિતાને પણ ફોન કરી ધંધા માટે પૈસાની માંગણી કરી હતી. જમીન વેંચી પણ પૈસાની માંગણી પુરી ન કરતા પતિ, સાસુ અને નણંદે મારકુટ શરૂ કરી હતી. જે બાબતે ગાયત્રીબાએ ભાઈ રાજદિપસિંહને જાણ કરી વડાળી આવી ૧૮૧માં પણ જાણ કરવામાં આવી હતી. જયારે આજથી દોઢેક વર્ષ પહેલા રાજદિપસિંહ ફરી બહેન ગાયત્રીબાને પરત ભાવનગર મુકવા ગયા ત્યારે પણ પતિ બળભદ્રસિંહે બહેનને રાખવાની ના પાડી ભાઈ રાજદિપસિંહને સ્ટેમ્પ પેપર પર સહી કરવાનું કહ્યું હતું. બહેન ગાયત્રીબાને સાસરીયા પક્ષ તરફથી સતત અસહય ત્રાસ ગુજારતા બહેને આપઘાત કર્યાની ફરજ પડાવતા ભાઈ રાજદિપસિંહે ભાવનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.