ટીમ ઓસ્ટ્રેલિયા ભલે ગયા મહિને આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજયી બન્યું હોય પરંતુ ભારતીય અર્થતંત્ર પણ વિજેતા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં રેસ્ટોરાં જેવા સ્થાનિક વ્યવસાયોએ ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશી પ્રવાસીઓ દ્વારા ખર્ચમાં 400% સુધીનો વધારો નોંધાવ્યો હતો,તેવો માસ્ટરકાર્ડ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટે રિપોર્ટ જાહેર કર્યો છે.
પ્રવાસીઓના ખર્ચમાં 400%નો વધારો : હોટલ, રેસ્ટોરન્ટ, નાના વેપારીઓ સહિતનાને થયો ફાયદો
‘આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપઃ એ બુસ્ટ ટુ ઈન્ડિયાઝ ઈકોનોમી’ શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવાયું છે કે, ફાઈનલના દિવસે ઓસ્ટ્રેલિયાએ વધુ સારી રમત કરી અને ટ્રોફી જીતી લીધી. આ ટુર્નામેન્ટમા ભારતીય અર્થવ્યવસ્થા પણ વિજેતા હતી.
નાના વ્યવસાયો, સ્થાનિક ખાણીપીણી, મોમ અને પોપ સ્ટોર્સ, બજેટ હોટલથી લઈને લક્ઝરી આવાસ અને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરન્ટ્સને ધૂમ આવક થઈ છે. યજમાન શહેરોમાં ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સમાં ત્રણ મુખ્ય મેચો – ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા માટે વિદેશી પ્રવાસીઓ દ્વારા ખર્ચમાં સરેરાશ 300% થી વધુનો વધારો અથવા ક્રોસ બોર્ડર ખર્ચ જોવા મળ્યો હતો.
ક્રોસ બોર્ડર ખર્ચને માપવા માટે, અહેવાલમાં યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેધરલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરના પ્રવાસીઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
માસ્ટરકાર્ડ ખાતે દક્ષિણ એશિયાના વિભાગીય પ્રમુખ ગૌતમ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યારે ભારત જેવા ક્રિકેટપ્રેમી રાષ્ટ્રમાં આઇસીસી વર્લ્ડ કપ આવે છે, ત્યારે તે સ્ટેડિયમની બહાર પણ અસર છોડવા માટે બંધાયેલો છે. માસ્ટરકાર્ડ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટનો આ અહેવાલ મુસાફરી, ખોરાક અને હોટલ પર ચાહકો દ્વારા સરહદ પાર અને સ્થાનિક ખર્ચમાં વધારાનું મૂલ્યાંકન કરીને તે અસરની તપાસ કરે છે. ટીમ ઇન્ડિયા દર્શાવતી કેટલીક મુખ્ય મેચો દરમિયાન, વ્યક્તિગત રેસ્ટોરન્ટના ખર્ચમાં 400 ટકાનો વધારો થયો છે.
અહેવાલ મુજબ, અમદાવાદમાં રમાયેલી બે મેચો માટે અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં સામાન્ય સપ્તાહની સરખામણીમાં ઑનલાઇન ફૂડ ડિલિવરી પર સ્થાનિક ખર્ચમાં પણ સરેરાશ 100% થી વધુનો તીવ્ર વધારો જોવા મળ્યો હતો.
તેમાં જણાવ્યું હતું કે અમદાવાદ અને લખનૌના યજમાન શહેરો અને દિલ્હી અને મુંબઈના મહાનગરોમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટોએ મેચના દિવસોની આસપાસ રૂ. 2.3 કરોડનો વધારાનો ખર્ચ જોયો હતો, જે સામાન્ય દિવસોની તુલનામાં 36% વધારે છે.
જ્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન સીમાપાર ખર્ચમાં વધારો માપવાનો આધાર એક સપ્તાહ અગાઉનો હતો, જ્યારે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની મેચ અને ફાઈનલ માટે તે બે અઠવાડિયા પહેલાનો હતો, કારણ કે તેના આગલા સપ્તાહમાં તે અનુક્રમે દશેરા અને દિવાળી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના અંતિમ મુકાબલામાં અમદાવાદની હોટલોમાં વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓ દ્વારા અનુક્રમે 56% અને 52% નો વધારો જોવા મળ્યો હતો. માસ્ટરકાર્ડના અહેવાલ મુજબ, બહાર ખાવા પરના ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે, જેમાં ક્રોસ-બોર્ડર, ક્વિક-સર્વિસ રેસ્ટોરાંમાં વ્યક્તિગત ખર્ચ 200% થી વધુ અને રેસ્ટોરાંમાં (ફાસ્ટ ફૂડ સિવાય) 100% થી વધુ વધી ગયો હતો.