- તને મારીને જમીનમાં દાટી દેવો છે’: પુલની ગુણવત્તાને લઈ નાયબ ઈજનેર પર કોન્ટ્રાકટરનો જીવલેણ હુમલા
- ઈજનેર હુમલાખોરોથી બચવા ભાગી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જયારે મોટા ઇટાળા ગામે નિરીક્ષણ અર્થે પહોંચ્યા ત્યારે સ્વસ્તિક ક્ધસ્ટ્રકશનના અમિત ઝાલા આણી ટોળકીએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોથી બચવા ઈજનેર ભાગી રહ્યા હોય તેવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ક્રેટા કાર માથે ચડાવી દેવાની કોશિશ
અમિત ઝાલાએ નાયબ કાર્યપાલક ઈજનેર નીલરાજસિંહ બારડની માથે પોતાની કાળા રંગની ક્રેટા કાર નંબર જીજે-11-બીઆર-8880 ચડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જો કે, નીલરાજસિંહ બાજુમાં ફફદયહફ વૃક્ષના ઓટલા પર ચડી જતાં જીવ બચી ગયો હતો. જે બાદ હુમલાખોરોએ ધોકા પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
બ્રિજનું કામ સારી રીતે કરવા અને સિમેન્ટ સારી ગુણવતાનો વાપરવા ટકોર કર્યા બાદ સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શનના અમિત ઝાલા આણી ટોળકી ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા
ધ્રોલના મોટા ઇટાળા ગામે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પર બ્રિજનું કામ કરતી સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન કંપનીના અમિત ઝાલા આણી ટોળકીએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બ્રિજના કામમાં સિમેન્ટની ગુણવતા સુધારવા સહીતની બાબતોએ ટકોર કર્યા બાદ ઉશ્કેરાયેલા શખ્સો આણી ટોળકીએ ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. મામલામાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અમિત ઝાલા તેમજ અન્ય સાતેક અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નીલરાજસિંહ પરબતસિંહ બારડ ગઈકાલે બપોરના અઢી વાગ્યા આસપાસ ધ્રોલ સબ ડિવિઝન ઓફિસથી મોટા ઇટાળા ગામ ખાતે બ્રિજનું કામ ચાલુ હોવાથી વિઝીટ કરવા માટે ગયા હતા. બપોરના ત્રણેક વાગ્યા આસપાસ બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં બ્રિજની કોન્ટ્રાક્ટ એજન્સી સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શનના માણસ અમિત ઝાલા હાજર હતા. ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરે અમિત ઝાલાને બ્રિજના કામમાં સારી ગુણવત્તાનું સિમેન્ટ વાપરવા તેમજ કામ સરખી રીતે કરવા માટે ટકોર કરી હતી. જેથી ઉશ્કેરાયેલા અમિત ઝાલા જેમ ફાવે તેમ બોલી ઇજનેરને ગાળો આપવા લાગેલ હતો અને કામ તો આવું જ થશે તેમ કહી હું કોઈના બાપથી ડરતો નથી તેવી ધમકી આપી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ઇજનેરને ઢીકા પાટુનો માર માર્યો હતો.
ક્ધસ્ટ્રક્શન કંપનીના અમિત ઝાલાએ તને મારી નાખી જમીનમાં દાટી દેવો છે તેવી ધમકી આપીને લાકડાના ધોકા વડે માર મારવા દોડેલા શખ્સથી બચવા ઈજનેર ઇટાળા ગામ તરફના રસ્તે દોડ્યા હતા. ત્યારે અમિત ઝાલા અને તેની સાથે અંદાજિત સાતેક શખ્સો પાછળ દોડ્યા હતા. દરમિયાન અમિત ઝાલા પોતાની ક્રેટા કાર જીજે-11-બીઆર-8880 લઈને મારી નાખવાના ઇરાદે ફૂલ સ્પીડમાં કાર હંકારી માથે ચડાવી દેવાની કોશિશ કરી હતી. જો કે, ઈજનેર ઓટલા પર ચડી જતાં કોશિશ નાકામ રહી હતી.
ત્યાંથી જીવ બચાવી નીલરાજસિંહ ઇટાળા ગામની અંદર દોડી ગયા હતા ત્યારે પાછળ આવતા અમિત ઝાલા અને તેની ટોળકીએ આગળ જઈ ઈજનેરને પકડી ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. જે બાદ ગામમાં આવેલી પ્રોવિઝન સ્ટોરના માલિક સહિતનાએ વચ્ચે પડી ઈજનેરને બચાવ્યો હતો. જે બાદ નીલરાજસિંહએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા અમિત ઝાલા આણી ટોળકી નાસી છૂટી હતી. હુમલામાં ઘવાયેલા કાર્યપાલક ઈજનેર ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયાં હતા. મામલામાં ધ્રોલ પોલીસે અમિત ઝાલા અને અન્ય સાતેક અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનસીની કલમ 109, 115(2), 352, 351(3), 221, 189(2), 191(2), 190 હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.