21 મી સદીમાં પુત્ર પુત્રી ના જન્મે સમાજ ની ભીતરની લાગણી હજુ 17 મી સદી જેવી જ જોવા મળે છે. દીકરો જન્મે તો કુળ તારવશે અને દીકરી જન્મે તો ભાર વધશે. દીકરાને ભણાવી ને મોટો સાહેબ બનાવશું અને દીકરી ને ભણાવવામાં ખર્ચો કરીને તો એ તો મોટી થઈ સાસરે જતી રહેશે માં બાપ ને શું વળશે. દીકરો કુટુંબનું નામ રોશન કરશે તો તેના માટે કંઈ પણ… પરંતુ દીકરીને આજના સમયે પણ ભણાવવા કરતા વળાવવા નો વિચાર પહેલા આવે છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી એ પોતાના અધ્યાપકોના માર્ગદર્શનમાં પુત્રી જન્મના માતમ ને ઓછો કરવા સલાહ અને માનસિક સધિયારો આપ્યો છે.
દીકરી વ્હાલ નો દરિયો માત્ર કહેવાથી, પરંતુ આજે પણ દીકરીના જન્મ પર આંખમાંથી અફસોસની લાગણી વહેડાવતો સમાજ છે. બાહ્ય દેખાવ અને રહેણી કરણી થી લોકો આજે ભલે મોડર્ન બન્યા છે પરંતુ વિચારોથી હજુ પણ પછાત લોકો જોવા મળે છે. આજે પણ એ જોવા મળે છે કે દીકરી ના જન્મ પર રીતસર નો ખરખરો કરવામાં આવતો હોય, સગા બધા ભેગા થઈ માથે હાથ દઈને બેઠા હોય અને ફોન કરી દીકરીનો જન્મ થયો હોય એ પરિવાર સાથે ખરખરો કરે. જ્યારે એ દીકરી ને મોટા થઈ ને ખબર પડે કે તેના જન્મ થી પરિવારમાં માતમ છવાયો હતો ત્યારે તેની લાગણી કેટલી દુભાતી હશે. કહેવાતા લોકો મોટી મોટી વાતો કરે છે કે દીકરી લક્ષ્મી છે, દુર્ગા છે. તો પછી મોઢે કહેલી વાત મગજ સુધી ક્યારે પહોંચશે એ સવાલ છે.
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની ભટ્ટ કર્તવિને કાઉન્સેલિંગ માટે ફોન આવ્યો અને તેમાં એક છોકરી એ જણાવ્યું કે તેના ઘર પાસે એક પરિવાર માં બીજી દીકરી નો જન્મ થયો છે અને તેના માતા પિતા ના કહેવા મુજબ તે ઘર શણગારવા ગઈ ત્યારે એમના ઘરે એમના માતા પિતા અને સાસુ સસરા હતા. થોડી વાર થઈ એટલે ઘર માં રો કક્કડ શરૂ કરી કે ભગવાને એક વાર પણ સામે ના જોયું. હું ધ્યાન રાખવા આટલા મહિના રહી ગામડે થી આવી, આટલા પાઠ પૂજા કર્યા પણ કંઈ ના વળ્યું. ત્યાં એમના સગા ના ફોન એક પછી એક આવતા હતા અને ફોન માં હીબકા ભરી ભરી ને બધા ખરખરો કરતા હોય એમ રડે અને કહેતા હતા કે આજના સમયે બે દીકરી વળાવવી કેટલી અઘરી છે, હવે શું કરશું આપણે, દીકરી ને આજે ભણાવવી પણ પડે અને પછી એ તો સાસરે જતી રહે, માં બાપ ને શું વળે, એનું શું કરે.
આ સાંભળી તે છોકરીને ખૂબ જ નવાઈ લાગી અને તેને કાઉન્સેલિંગ માટે ફોન કર્યો. ભવનની વિદ્યાર્થિની ત્યાં ગઈ અને એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને સમજાવવામાં આવ્યા કે, એક દીકરી થઈને તમે આવું બધું કેમ બોલો છો. પછી એમને સમજાવ્યા કે તમારે ઘરે તો રિદ્ધિ અને સિદ્ધિ બંને આવ્યા છે. ખુશ થવું જોઈએ. લક્ષ્મીજી આવે છે ઘરે અને એમને આમ રડતા મોઢે તમે આવકારશો!! આજે હવે એવું કંઈ નથી રહ્યું કે દીકરા રાખે અને દીકરી ના રાખે. પછી એ દીકરી ને મોટી થઈ ને ખબર પડે કે હું જન્મી ત્યારે મારા દાદી – નાની ને સગા બધા માથે હાથ દઈએ ને બેઠા હતા તો એને કેટલું દુઃખ થાય અને તમને કેટલું પાપ લાગે. આ ભગવાન ની પ્રસાદી કહેવાય. તમે જોજો આ દીકરીઓ જ તમને કેટલી નામના અપાવશે. પછી એમને થયું કે હવે જે થયું એ ભગવાનની ઈચ્છા.એટલે કહ્યું કે તમને અમારી ના ખબર હોય. ફોન કરે બધા તો રડવું તો પડે ને, બાકી એમને એવું કંઈ નથી.