ખેડૂતોએ છોડી મુકેલા ૯૦ બળદો, અશક્ત ગાય, નીલગાય અને શ્વાન માટે દૈનિક સેવાયજ્ઞ
ટંકારા તાલુકાના નસીતપર ગામના દંપતિનો પશુ – પક્ષી પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખેડૂતોએ છોડી મુકેલા ૯૦ જેટલા બળદોને આશ્રય મળવાની સાથે અશક્ત ગાય, નીલગાયને હૂંફ મળી રહી છે તો લુપ્ત થતા ચકલા અને શેરી શ્વાનોને દરરોજ ભાવતા ભોજન કરાવવામાં આવી રહ્યા છે.
ટંકારા તાલુકા પંચાયતના માજી પ્રમુખ ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર નશીતપર ગામના કોંન્ટ્રાકટર નથુભાઈ કડીવારના ધર્મપત્નિ છે તેમને ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખપદે રહીને ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક ચાહના મેળવેલ અને પારદર્શક શાસન કરેલ. હાલ ચંદ્રિકાબેન મોરબી મહિલા દુધઉત્પાદક “મયુર ડેરી ” માં ડિરેકટરશ્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમને લજાઇ સીટ પરથી ગત મોરબી જીલ્લા પંચાયતની ચુંટણીમા પાટીદાર ફેકટરથી કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડેલ પરંતું તેમણે અબોલ પશુઅોની સેવા કરવામા હાર સ્વિકારી નથી.
ચન્દ્રીકાબેનના પતિ નથુભાઈ કડીવાર છેલ્લા ૫ વર્ષથી પોતાના ગામ નશીતપરમાં વાડીમા સેડ બનાવીને અબોલ નિરાધાર બળદો (ગૌવંશ) જે ખેડુતોઅે તેમના બળદો વયોવૃદ્ધ થવાથી છોડી મુકેલ હોય તેવા બળદોની સેવા કરી રહ્યા છે. આશરે ૯૦ બળદો તેમજ ૪/૫ ગાયોની કોઈપણ જાતની આશ રાખ્યા વિના સેવા કરી રહ્યા છે. લીલા-સુકા ઘાસચારાની સુવિધા પણ પોતાની વાડીમાં પુરતા પ્રમાણમા ઉગાડીને આ ગૌવંશની સેવા કરી બચાવી કરી રહ્યા છે. તેમજ અેક નીલગાય (રોઝ) માદાનું મૃત્યું થતા નિરાધાર બનેલ તેમના બચ્ચાનો પણ ગાયો સાથે ઉછેર થઈ રહ્યો છે અને બળદ બાંધવાના સેડ પર ચકલીઅો માળા બનાવી લુપ્ત થતી પ્રજાતીને પણ બચાવી રહ્યા છે.
ચકલીઅોને પાણી-ચણ પણ પુરી પાડી રહ્યા છે આ જગ્યા પર ચકલીઅોનો કલરવ શોર મચાવી રહ્યો છે. તદ્ઉપરાંત દરરોજ ૧ મણ બાજરાના લોટના રોટલા બનાવી કુતરાઅોને ખવડાવે છે. ચંદ્રિકાબેન પોતાના દાંપત્ય જીવનથી વર્ષોથી કિડિયારુ પુરતા આવ્યા છે.આવી અબોલ જીવ પ્રત્યેની તેમની લાગણી હાલ સમગ્ર ટંકારા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com