દેશમાં 1.5 લાખ આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરાશે: પ્રત્યેક જિલ્લામાં આરોગ્ય માળખા પાછળ 100 કરોડ ખર્ચાશે: 22 એઈમ્સનું કામ વેગમાં

‘એક તંદુરસ્તી હજાર નેઅમત’ (કૃપા) નિરામય જીવન પ્રભુ પ્રસાદ ગણવામાં આવે છે. બધું હોય અને આરોગ્ય સારૂં ન હોય તો બધું પાણીમાં…. વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ સમજતા હતા અને ગાફેલ રહેનારા તમામને નિરોગી જીવનનું મહત્વ સમજાવી દીધું. આરોગ્ય માત્ર વ્યક્તિ અને પરિવાર પૂરતું સિમિત નથી. સ્વસ્થ્ય જીવન અને સમાજનું દેશ અને અર્થતંત્રમાં ખૂબ જ મહત્વ રહ્યું છે.

આરોગ્યપ્રદ સામાજીક વ્યવસ્થા દેશના વિકાસ અને વિકાસદરમાં ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લામાં આરોગ્ય માળખું વિકસાવી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન હેઠળ 100 કરોડનો ખર્ચ દરેક જિલ્લામાં થશે. હાલ દેશમાં 22 એઈમ્સ પર કામ ચાલી રહ્યું છે.  તંદુરસ્ત લોકજીવનથી ઔદ્યોગીક અને આર્થિક પ્રગતિ અને દવા-દારૂના ખોટા ખર્ચાઓ ન થવાથી સુખની સાથેસાથે સમૃદ્વિનું નિમિત બને છે.

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશના પવિત્ર ધર્મનગર ગણાતા વારાણાસીમાં અનેકવિધ પરિયોજનાઓનો ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાન દ્વારા આયુષ્યમાન ભારત આરોગ્ય સંશાધન અભિયાન આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન પોતાના મત વિસ્તાર વારાણસીમાંથી જારી કરી 64 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશમાં વિવિધ સરકારી પરિયોજના સાથેનું આખા પ્રોજેક્ટથી શહેરી અને ગ્રામ્ય જાહેર આરોગ્ય વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવશે.

દેશભરના તમામ રાજ્યોમાં આરોગ્યતંત્ર અને જાહેર આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અને આપાતકાલિન પરિસ્થિતિ અને કોવિડ-19 જેવી મહામારીમાં જનઆરોગ્યની જાળવણી માટે આરોગ્ય તંત્ર ક્યાંય ઉણું ન ઉતરે તે વ્યવસ્થા ઉભી કરવા માટેના પ્રોજેક્ટોને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ગઇકાલે વારાણસી અને મહેંદીગંજમાં 5,189 કરોડ રૂપિયાના 28 પ્રોજેક્ટના લોકાર્પણ વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે આ પરિયોજનાથી ભારત આરોગ્યપ્રદ સમાજ નિર્માણ તરફ એક ડગલું આગળ વધી રહ્યું છે.

આરોગ્ય સુખાકારીને અગ્રિમતા આપવી જોઇએ. સ્વતંત્રતા બાદ સૌપ્રથમવાર આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી આરોગ્ય માળખાને સવલત્તરૂપ બનાવવામાં આવશે. દેશના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. 157 મેડિકલ કોલેજ અને આરોગ્યકેન્દ્રો ઉભા કરવા માટે 64 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટથી આરોગ્ય સુવિધામાં કોઇ કચાશ રહેશે નહીં.

મોટાભાગના વિસ્તારોમાં જ્યાં દવાખાના નથી તેવા વિસ્તારોમાં સારવાર કેન્દ્રો, તપાસ કેન્દ્રો, સર્જરી અને આપાતકાલિન વ્યવસ્થા માટેના કેન્દ્રો ખોલીને મોટી હોસ્પિટલોનું ભારણ ઘટાડવામાં આવશે અને મોટા આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો માટે દર્દીઓ અને તેમના પરિવારજનોની હાડમારી ઓછી કરવા માટે સરકાર પ્રતિબદ્વ છે.

ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વધુ 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર વિકાસના કામ કરે છે. ઉત્તર પ્રદેશમાં પહેલાં ભ્રષ્ટાચારની સાયકલ ચાલતી હતી હવે મહાદેવના આશિર્વાદ હોય ત્યાં લોકોને બધું જ મળવા લાગ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.