ગત એક સપ્તાહમાં ૨૫ હજાર કરોડનો જોવા મળ્યો વધારો
વૈશ્ર્વિક મહામારી બાદ સમગ્ર દેશોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ જે વિદેશી અનામત જથ્થો દેશ પાસે હોવો જોઈએ તેમાં પણ અનેકઅંશે ઘટાડો થયો હોય તેવું પણ માનવામાં આવે છે પરંતુ અત્યાર સુધીનો સર્વાધિક ફોરેન રીઝર્વ ભારત માટે આશાનાં કિરણરૂપ સાબિત થઈ રહ્યું છે. ૨૯ મે સુધી ભારતનું ફોરેન રીઝર્વ ૪૯૩.૪૮ બિલીયન ડોલરે પહોંચ્યું છે જે ભારતીય કરન્સી પ્રમાણે ૩૬.૫૫ લાખ કરોડ રૂપિયા માનવામાં આવે છે ત્યારે આ વધારો ૨૯ને પહેલા ૪૯૦ કરોડ બિલીયન ડોલર રહેવા પામ્યું હતું જે એક સપ્તાહમાં વધુ ૩.૪૩ બિલીયન ડોલર થતા ભારતનું ફોરેન રીઝર્વ ૫૦૦ બિલીયનની નજીક પહોંચ્યું છે.
વૈશ્ર્વિક મહામારીથી વિશ્ર્વનાં અનેક દેશોને તેની આર્થિક અસરનો સામનો કરવો પડયો છે પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતનાં ફોરેન રીઝર્વમાં ૩ બિલીયન ડોલર જેટલો વધારો થતા ભારત માટે એક આશાનું કિરણ ઉદભવિત થયું છે. હાલ ભારત દેશમાં ૧૮ લાખ કરોડ રૂપિયાની કરન્સી ફરી રહી છે ત્યારે જે મુદ્રણ દેશમાં ચાલી રહ્યું છે તેનાથી પણ બમણા પ્રમાણનું ફોરેન રીઝર્વ હોવાથી દેશની આર્થિક સ્થિતિ મજબુત માનવામાં પણ આવે છે જે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશમાં ખુબ જ વધુ પ્રભાવ પડશે. યુરો, પાઉન્ડ, યેનનાં મુદ્રણમાં વધારો-ઘટાડો થતા દેશને તેના ફોરેન રીઝર્વમાં પણ અસર જોવા મળી છે પરંતુ ભારત દેશની સ્થિતિમાં સુધારો થતાની સાથે જ આગામી સમય ભારત દેશ માટે આર્થિક રીતે અત્યંત મજબુત બની રહેશે તેવું પણ અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે, ફોરેન રીઝર્વમાં ભલે વધારો થયો હોય પરંતુ તેની સામે ગોલ્ડ રીઝર્વમાં અનેકઅંશે ઘટાડો નોંધાયો છે. ગત અઠવાડિયામાં જે ૯૭ મિલીયન ડોલર ઘટતાની સાથે જ હાલ ભારત માટે ગોલ્ડ રીઝર્વ ૩૨.૬૮ બિલીયન ડોલર રહેવા પામ્યું છે. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા અને તેની આર્થિક સ્થિતિ ફોરેન રીઝર્વ ઉપર નિર્ધારીત રહેતી હોય છે અને આપાતકાલીન સમયમાં આજ અનામત તેને પરિસ્થિતિમાંથી બહાર લાવવા મદદરૂપ થતું હોય છે ત્યારે ભારતનું ફોરેન રીઝર્વ જોતાની સાથે જ એ વાત સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થામાં અનેકઅંશે હકારાત્મક સુધારા પણ આવશે.