- કેદીઓને આત્મનિર્ભર બનાવવાની રાજકોટ સેન્ટ્રલ જેલની મુહિમની રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ નોંધ
- ઇન્ડીયન વિઝન ફાઉન્ડેશનના કાર્યક્રમમાં રાજ્ય જેલ વડા કે.એલ.એન.રાવ ખાસ ઉપસ્થિત રહેશે
રાજકોટ મધ્યસ્થ જેલમાં ઇન્ડીયન વિઝન ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દેશની પ્રથમ આઇપીએસ મહિલા અધિકારી કિરણ બેદી અને રાજ્યના જેલ વડા કે.એલ.એન.રાવ ખાસ ઉસ્થિત રહેશે. રાજકોટની મધ્યસ્થ જેલની કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ પાઠવશે.
ગુજરાતની જેલોમાં જેલ મૂકતી બાદ કેદીઓને આત્મનિર્ભર બનાવવા ચાલતા જબરજસ્ત અભિયાનની નોંધ હવે રાષ્ટ્રિયલેવલે લેવામાં આવી રહી છે, ગઈ કાલે તિહાર જેલના ડાયરેકટર જનરલ સંદીપ ગોયેલ ટીમ દ્વારા અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાતના પગલે પગલે તિહાર જેલના પૂર્વ વડા ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અને પોંડિચેરી રાજ્યના લેફ.ગવર્નર કિરણ બેદી આજે સાંજે રાજકોટ જેલની મુલાકાતે આવી રહ્યા હોવાથી રાજકોટના મહિલા જેલ સુપ્રિ. બન્નોબેન જોષી ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કિરણ બેદીની સાથે સાથે ગુજરાતની જેલમાં રોજગારી અને લોકડાઉન સમયે પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર જાળવવામાં સફળ બનવા સાથે ગુજરાતને રાષ્ટ્રિય લેવલે એવોર્ડ અપાવવામાં જેનો સિંહફાળો છે. તેવા ગુજરાતના મુખ્ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ પણ ઉપસ્થિત રહેનાર હોવાનું રાજકોટ જેલના સૂર્ત્રોી જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન વિઝન ફાઉન્ડેશનદ્વારા આ કાર્યક્રમ રાજકોટ જેલ ખાતે સાંજે યોજાઈ રહ્યો છે. અત્રે એ યાદ રહે કે દેશભરની જેલ સુધારણા માટે સુપ્રીમ અદાલત દ્વારા એક વિશેષ કમિટી પણ નીમવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતની જેલ સુધારણા કામગીરીની તિહાર જેલના વડા દ્વારા ખૂબ પ્રસંશા થઈ છે. કેદીઓના અભ્યાસ કાર્યને સરળ બનાવવા માટે જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઈન્દુ રાવ પણ સહયોગ આપી રહ્યા છે. રાજકોટ જેલમાં પણ લોક પ્રિય ભજીયા, બેકરી, વિવિધ ફર્નિચર ઉદ્યોગ કાર્ય જેલ સુપ્રિ. બન્નોબેન જોષી ટીમ દ્વારા ચાલી રહ્યુ છે. કેદીઓ માટે ખાસ રેડિયો સ્ટેશન કે જે કેદીઓ દ્વારા સંચાલન થાય છે તે બધી બાબતોથી કિરણ બેદીને માહિતગાર કરવામાં આવનાર છે.