૮ થી ૧૦ ટકાના જીડીપી ગ્રોથ સાથે ભારતનું અર્થતંત્ર દોડતુ થશે: હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવાની ઉત્તમ તક
વડાપ્રધાન મોદીના દુરંદેશી વિચાર અને તેમના સંકલ્પને જોતા વર્ષ ૨૦૨૫માં દેશનું અર્થતંત્ર ૫ ટ્રિલીયન ડોલરે પહોંચે તેવી આશા વ્યકત કરી હતી અને ભરોસો પણ દાખવ્યો હતો તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો, અનેકવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યોને વેગ આપ્યો હતો. હાલ આ સ્થિતિને ધ્યાને લઈ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના સીએમડી સંજીવ મહેતાએ આશાવાદ વ્યકત કરતા જણાવ્યું છે કે, દેશનું અર્થતંત્ર આગામી ૧૫ વર્ષમાં ૧૦ ટ્રિલીયર ડોલર પહોંચશે. આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારતે મુખ્યત્વે ઉત્પાદન, ખેતી, હેલ્થ અને ફાર્મા ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બીજી તરફ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવાની ઉતમ તક પણ ઉદભવિત થઈ છે. તેમના જણાવ્યા મુજબ ગત ત્રણ દશકામાં ભારતે સરેરાશ જીડીપીનો ગ્રોથ ૬ થી ૬.૫ ટકા સુધી મેળવ્યો છે ત્યારે આવનારા ૧૫ વર્ષમાં આ જીડીપીનો વિકાસ રથ ૮ થી ૧૦ ટકા સુધી પહોંચશે અને દેશના અર્થતંત્રને દોડતુ પણ કરશે. જીડીપીના વિકાસ દરની સાથો સાથ ભારતે પ્રતિ વર્ષ ૧ કરોડ નોકરીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે.
એચયુએલના સીએમડીના જણાવ્યા મુજબ સરકારે દેશના અર્થતંત્રને વિકસિત કરવા માટે ઉત્પાદન, ખેતી અને ફાર્મા ક્ષેત્ર ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે જેથી જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેને પૂર્ણત: પાર કરી શકાય. અર્થવ્યવસ્થાને ધ્યાને લઈ તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે માંગમાં વધારો થશે તો રોકાણ પણ પુરતા પ્રમાણમાં જોવા મળશે જેથી લોકોની જીવનશૈલીમાં પણ અનેકગણો સુધારો થઈ શકશે. હાલ વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે વિશ્ર્વને અનેક દેશોની અર્થતંત્રને માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે ભારત દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ફરીથી આગળ આવી રહ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, જો દેશના અર્થતંત્રને ઝડપભેર આગળ ધપાવવું હોય તો વ્યાજદરમાં પણ ઘટાડો કરવો એટલો જ જરૂરી છે. સાથો સાથ સરકાર અને ખાનગી કંપનીએ પણ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સૌથી વધુ રોકાણ કરવુ પણ એટલું જ જરૂરી છે.
ભારત ખેતીપ્રધાન દેશ હોવાના કારણે દેશની જનસંખ્યાના ૬૦ ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને તેમાંથી ૫૦ ટકા લોકો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે ત્યારે સરકારે ખેતીને પણ પ્રાધાન્ય આપવુ અત્યંત જરૂરી છે. કોઈપણ વિકાસ કાર્યો માટે સરકાર ફિસકલ ડેફીશીટ એટલે કે નાણાકિય ખાદ્યને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આયોજન હરહંમેશ બજેટમાં કરતું હોય છે ત્યારે ભારત માટે નાણાકિય ખાધને કેવી રીતે બુરી શકાય તે નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી છે. મહામારીના કારણે દેશના અનેકવિધ ઉધોગોને ખુબ જ ખરાબ અસર પહોંચી છે પરંતુ જેમ-જેમ દિવસો પસાર થાય છે તેમ-તેમ કંપની અને ઉધોગોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ફાર્મા ક્ષેત્ર પણ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ફાર્મા ઉધોગની વાત કરવામાં આવે તો તેની બજાર ૪૧ બિલીયન ડોલરની છે જેમાંથી ભારત દેશ વૈશ્ર્વિક સ્તર પર માત્ર ૩ ટકાનું જ યોગદાન આપી શકયું છે જેથી આ ક્ષેત્રમાં વિકસિત થવા અને નવા રોકાણો લાવવા માટે ભારત પાસે વિપુલ તક રહેલી છે. અંતમાં હિન્દુસ્તાન યુનિલિવરના સીએમડી સંજીવ મહેતાના જણાવ્યા મુજબ દેશ હવે ડિજિટલ ઈકોનોમી તરફ આગેકુચ કરી રહ્યો છે જેથી દેશ માટે આવનારો સમય અત્યંત ઉપયોગી નિવડશે અને જે આશા સેવવામાં આવી રહી છે કે, આવનારા ૧૫ વર્ષમાં દેશનું અર્થતંત્ર ૧૦ ટ્રિલીયન ડોલરે પહોંચશે તે પણ ચરિતાર્થ થઈ શકશે.