આખી માનવ જાત કોરોના ગ્રસ્ત મંદીના સકંજામાં: જંગી કરકસર, ખર્ચમાં અસાધારણ કાપ અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વૃધ્ધિના ઉપાયો: માનવ સંશાધનના પૂરેપૂરા ઉપયોગ સાથે સર્વાંગી વિકાસ અનિવાર્ય: સંઘર્ષનાં રાજકારણે અર્થતંત્રને પારાવાર હાની પહોંચાડી હોવાનું અભ્યાસીઓનું તારણ ! કપરા સંજોગોમાં નેતૃત્વ કરવું એ નાની માના ખેલ નહિ હોવાનો એકરાર કરીને નીતિ રીતિઓમાં યુગલક્ષી બદલાવ કરવામાં જ ડહાપણ !
આપણો દેશ અને મોટા ભાગે આખી દુનિયા અત્યારે અભૂતપૂર્વ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યા છે અને હજુ વધુ આકરો સમય જોવો પડે તેમ છે. એવો એકરાર આપણા દેશના સમર્થ અર્થશાસ્ત્રીઓ તેમજ વૈશ્વિક નાણા સંસ્થાઓનાં ચમ્મરબંધી અભ્યાસીઓ કરી રહ્યા છે.
ક્રમે ક્રમે એવી ટકોર થવા લાગી છે કે, આગામી નજીકનાં ભવિષ્યમાં વિશ્વની આ અતિ દુષ્કર સમસ્યાને થાળે પાળવા માટે જોઈતા નિષ્ણાતોની આપણી વૈશ્વિક નાણા સંસ્થાઓને ખોય પડશે અને મોટી મોટી કંપનીઓને મૌલિક પ્રયોગો કરી શકે એવા સીઈઓની જરૂર પડશે.
આપણો દેશ અને વિશ્વના ઔદ્યોગિક સધ્ધરતા ધરાવતા યૂરોપીય દેશો નવાં નવાં કલેવર ધરવાં માટે દોટ મૂકી રહ્યા હોવાનો આભાસ હમણા હમણા થઈ જ રહ્યો છે. આપણી દુનિયા નવા કલેવર ધરે અને આપણો દેશ તથા આપણા મનુષ્યો નવી નવી ક્ષિતિઓ પ્રતિ પ્રયાણ આરંભે એવો અવાજ ઉઠવાને સંભવત: ઝાઝીવાર નથી!
કારમી આર્થિક મંદીના ઓળા વચ્ચે એમ કરવું જ પડે છે. નેતૃત્વ કરવું એ કોઈ નાની માના ખેલ નથી. એના માટે લોઢાના ચણા ચાવવા પડે છે. નેતૃત્વ કરનારી વ્યકિતનો સૌથી મોટો ગુણ તેનું ધૈર્ય છે. તેના ધૈર્યની કસોટીમાંથી ત્યારે લીડર પસાર થાય અને પાર ઉતરે ત્યારે તેને સો ટચનું સોનુ કહી શકાય. હાલમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને એ છે કે કેપ્ટન કૂલ આ શબ્દ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની માટે વપરાય છે. અનેક કપરા સમયે તેણે જરાય વિચલિત થયા વિના ધૈર્યથી યીમની નૌકાને પાર ઉતારી છે. મેદાન ઉપર અત્યંત કટોકટીના સમયે પણ તેના મોં પરની રેખાઓ કયારેય તંગ જોવા મળતી નથી. તેનો અર્થ એવો નથી કે તે તાણમાં નથી હોતો, પણ બરોબર મનોમંથન કરીને, ધર્ય જાળવીને કટોકટીના સમયે ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખીને પાસા પોબારા પડે તેવી રણનીતિ તે ઘડી રહ્યો હોવાનું તેવું લાગે છે. અને મેચના પરિણામમાં તેનું પ્રતિબિંબ પડે જ છે.
અત્યારની કોરોનાગ્રસ્ત ભયંકર આર્થિક મંદીને થાળે પાડવામાં સમય લાગે તેમ છે. તો પર આ બધા પાસાઓ લક્ષમા રાખીને નવાં પ્રયાણ માટે આગળ વધવામાં જ ડહાપણ લેખાશે !