ગલવાન ઘાટીમાં ૨૦ જવાનોની શહાદત બાદ સંરક્ષણ મંત્રીનો પ્રથમ પ્રતિભાવ
ભારત અને ચીનની સીમા પર ગલવાન ઘાટીમાં શહાદ થયેલા ભારતના ૨૦ જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રધ્ધાંજલી અર્પી હતી. બુધવારે ટવીટર પર રક્ષા મંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ બલિદાનને દેશ કયારેય નહીં ભૂલે. તેમણે ટવીટમાં વધુમાં લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોના જીવ ગુમાવવા એ ખૂબજ દુ:ખદ છે. આપણા જવાનોએ દેશનું રક્ષણ કરતા કરતા દેશ માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે. દેશ આ બલિદાનને કયારેય નહીં ભૂલે.
સહાદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરતા જણાવ્યું કે દેશ તમારી સાથે ખંભે ખંભા મિલાવીને ઉભો છે. આપણને દેશના જવાનો પર ગર્વ છે. તમને એ જણાવીએ કે મંગળવારે સેનાના જવાનોની શહાદત બાદ રક્ષામંત્રી રાજનાથસિંહનું આ પહેલું સૌથી મોટુ નિવેદન છે. શહીદ જવાનોના સમાચાર મળ્યા પછી રક્ષામંત્રી રાજનાથસિંહ સતત બેઠકો યોજી રહ્યા છે. જેમાં તેમણે સૌથી પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવત સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
બાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સુરક્ષા બાબતની બેઠકમાં પણ સવારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભાગ લીધો હતો આજે સવારે સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠક બાદ સંરક્ષણ મંત્રીએ વિદેશી બાબતોનાં મંત્રી એસ.જયશંકર સાથે પણ વાત કરી હતી. ૧૫-૧૬ જૂનની રાત્રે લદાખ પાસે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા એક કમાન્ડીંગ ઓફિસર પણ હતા. આ ઉપરાંત સૂત્રોનું કહેવું છે કે આ ઝપાઝપીમાં ચીનના પક્ષે પણ મોટુ નુકશાન થયું છે. તેના એક કમાન્ડીંગ ઓફીસર સહિત ૪૦ જવાનોના મોત થયા છે. જોકે ચીને આ બાબત હજુ સ્વીકારી નથી.
વડાપ્રધાને ૧૯મીએ સર્વપક્ષીય બેઠક બોલાવી
ભારત ચીન વચ્ચે સરહદે પ્રવર્તતી તંગદિલી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ જૂનો સર્વ પક્ષીય બેઠક બોલાવી છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લડાખ સીમાપર ચાલતી તંગદિલી ચરમસીમાએ પહોચી છે. ગઈકાલે ભારતીય સેનાએ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે ગલવાન ઘાટી પાસે ચીની સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં ભારતનાં ૨૦ જવાનો શહીદ થયા છે. જેમાં એક કમાન્ડીંગ ઓફીસર પણ સામેલ છે. આ ઝપાઝપીમાં ચીનને પણ મોટુ નુકશાન થયું છે. બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. અને કુટનીતિ અપનાવી મામલો થાળે પાડવા પ્રયાસો થઈ રહ્યા છે. આમુદે વડાપ્રધાને હવે તા.૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ૧૯ જૂને સાંજે પાંચ વાગ્યે સર્વે પક્ષોના પ્રમુખો આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે વિપક્ષ દ્વારા આ પગલે સર્વપક્ષીય બેઠક બોલાવવા સતત માંગ થઈ રહી હતી જેના પગલે આ બેઠક યોજવામાં આવી છે.
ચીન કુણુ પડયું: અમે હવે આવી વધુ ઝપાઝપી ઈચ્છતા નથી: ચીની વિદેશ મંત્રાલય
લદાખના ગલવાન ઘાટીમાં લાઈન ઓફ એકયુયલ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી બાદ ચીન કુણું પડયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજીઅને જણાવ્યું હતુ કે ગલવાન ઘાટી હંમેશા ચીન સાથે જ છે. ચીન નથી ઈચ્છતુ કે આગામી સમયમાં પણ આવી કોઈ ઘટના બને.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા એ વધુમાં જણાવ્યું હતુ કે અમે ભારત પોતાના સીમા પરનાં સૈનિકોને અંકુશમાં રાખે અને સીમા ઉલ્લંઘન કે ઉશ્કેરણીજનક કાર્યવાહી વખત અમે એક વખત રોકીએ છીએ અને ચીન સાથે કામ કરવાની સલાહ આપીએ છીએ. અમે ભારતને વાતચીતના માધ્યમથી મતભેદોને ઉકેલવા સાચા માર્ગે પરત ફરવા કહીએ છીએ.